તા. ૯
કૈલાસ યાત્રાના જાહેર કરવામાં આવેલા રૂટચાર્ટ અનુસાર આ વખતે કૈલાસ યાત્રા કરવામાં ઓછો સમય લાગશે. ગયા વર્ષે ૨૮ દિવસમાં સમાપ્ત થયેલી યાત્રા આ વખતે ૨૨ દિવસમાં જ સમાપ્ત થઈ જશે એટલે કે છ દિવસ વહેલાં જ યાત્રા પૂરી થશે. યાત્રા ૧૨મી જૂનના રોજ શરૂ થઈ રહી છે. આ યાત્રા માટે ભારત-તિબેટ સીમા પોલીસ (આઈટીબીપી)એ બધી જ તૈયારીઓ પૂરી કરી લીધી છે.
આઈટીબીપીની સાતમી વાહિનીના પ્રમુખ કેદારસિંહ રાવતે જાણકારી આપતાં જણાવ્યું કે કૈલાસ યાત્રાએ જનાર પ્રથમ ટુકડી ૧૨મી જૂનના રોજ દિલ્હીથી અલ્મોડા તરફ રવાના થશે. આ ટુકડી ૧૩મી જૂને ધારચૂલા પહોંચશે, ત્યારબાદ ૧૪મી જૂને સિર્ખાથી પદયાત્રા શરૂ થશે. યાત્રાદળ ૧૫મી જૂને ગાલા, ૧૬મી જૂને બુંદી અને ૧૭મી જૂનના રોજ ગુંજી પહોંચશે. ૧૮મી જૂનના રોજ ગુંજીમાં યાત્રાળુઓનું તબીબી પરીક્ષણ કરવામાં આવશે. તબીબી પરીક્ષણ પાસ કરનારને જ અહિંયાંથી આગળ જવાની પરવાનગી આપવામાં આવશે. ૧૯મી જૂને નાભિઢાંગ અને ૨૦મી જૂને પ્રથમ ટુકડી ચીનની સીમામાં પ્રવેશ કરશે ત્યારબાદ યાત્રાળુઓની ટુકડી કૈલાસ પર્વતની પરિક્રમા કર્યા બાદ ૩જી જુલાઈના રોજ પરત દિલ્હી આવી જશે. ૯મી સપ્ટેમ્બરે યાત્રા સમાપ્ત થઈ જશે. ગયા વર્ષ સુધી યાત્રા ૩૦મી સપ્ટેમ્બરે સમાપ્ત થતી હતી પરંતુ આ વર્ષે ૯મી સપ્ટેમ્બરે યાત્રા સમાપ્ત થઈ જશે. યાત્રામાં ૧૮ ટુકડીઓ જશે. મેડિકલ ટીમ મે મહિનાના છેલ્લા અઠવાડિયા સુધીમાં ગુંજી પહોંચી જશે. યાત્રાળુઓની સુરક્ષા માટે આઈટીબીપીની વિશેષ ડિઝાસ્ટર ટીમ લખનપુરથી બૂંદી સુધી તૈનાત કરી દેવામાં આવશે.
No comments:
Post a Comment