Friday, May 10, 2013

હવે કૈલાસ યાત્રા કરવામાં ઓછો સમય લાગશે


તા. ૯
કૈલાસ યાત્રાના જાહેર કરવામાં આવેલા રૂટચાર્ટ અનુસાર આ વખતે કૈલાસ યાત્રા કરવામાં ઓછો સમય લાગશે. ગયા વર્ષે ૨૮ દિવસમાં સમાપ્ત થયેલી યાત્રા આ વખતે ૨૨ દિવસમાં જ સમાપ્ત થઈ જશે એટલે કે છ દિવસ વહેલાં જ યાત્રા પૂરી થશે. યાત્રા ૧૨મી જૂનના રોજ શરૂ થઈ રહી છે. આ યાત્રા માટે ભારત-તિબેટ સીમા પોલીસ (આઈટીબીપી)એ બધી જ તૈયારીઓ પૂરી કરી લીધી છે.
આઈટીબીપીની સાતમી વાહિનીના પ્રમુખ કેદારસિંહ રાવતે જાણકારી આપતાં જણાવ્યું કે કૈલાસ યાત્રાએ જનાર પ્રથમ ટુકડી ૧૨મી જૂનના રોજ દિલ્હીથી અલ્મોડા તરફ રવાના થશે. આ ટુકડી ૧૩મી જૂને ધારચૂલા પહોંચશે, ત્યારબાદ ૧૪મી જૂને સિર્ખાથી પદયાત્રા શરૂ થશે. યાત્રાદળ ૧૫મી જૂને ગાલા, ૧૬મી જૂને બુંદી અને ૧૭મી જૂનના રોજ ગુંજી પહોંચશે. ૧૮મી જૂનના રોજ ગુંજીમાં યાત્રાળુઓનું તબીબી પરીક્ષણ કરવામાં આવશે. તબીબી પરીક્ષણ પાસ કરનારને જ અહિંયાંથી આગળ જવાની પરવાનગી આપવામાં આવશે. ૧૯મી જૂને નાભિઢાંગ અને ૨૦મી જૂને પ્રથમ ટુકડી ચીનની સીમામાં પ્રવેશ કરશે ત્યારબાદ યાત્રાળુઓની ટુકડી કૈલાસ પર્વતની પરિક્રમા કર્યા બાદ ૩જી જુલાઈના રોજ પરત દિલ્હી આવી જશે. ૯મી સપ્ટેમ્બરે યાત્રા સમાપ્ત થઈ જશે. ગયા વર્ષ સુધી યાત્રા ૩૦મી સપ્ટેમ્બરે સમાપ્ત થતી હતી પરંતુ આ વર્ષે ૯મી સપ્ટેમ્બરે યાત્રા સમાપ્ત થઈ જશે. યાત્રામાં ૧૮ ટુકડીઓ જશે. મેડિકલ ટીમ મે મહિનાના છેલ્લા અઠવાડિયા સુધીમાં ગુંજી પહોંચી જશે. યાત્રાળુઓની સુરક્ષા માટે આઈટીબીપીની વિશેષ ડિઝાસ્ટર ટીમ લખનપુરથી બૂંદી સુધી તૈનાત કરી દેવામાં આવશે.

Wednesday, May 1, 2013

ગજબના રામભક્ત :દરેક શબ્દે રામ દેખાય તેમ લખ્યું સુંદરકાંડ

રામપુર, 20 એપ્રિલ

ઝુનૂન અને મહેનતથી દરેક કામ પાર પાડી શકાય છે. એવા જ એક ઝુનૂની છે 65 વર્ષીય હરિ વિષ્ણુ ગુપ્તા, જેમણે 30 મહિનામાં આખી સુંદર કાંડ રામ નામથી લખી નાંખી છે. તેમણે દરેક શબ્દમાં અને અંકમાં રામ નામનો પ્રયોગ કર્યો છે. રામ નામથી શરૂ થતી હનુમાન ચાલીસા પણ તેમણે લખી છે. હવે તેઓ રામચરિત માનસ લખવા જઈ રહ્યાં છે.

રેલ્વેમાંથી રિટાયર્ડ થયા બાદ રામપુર બાગ નિવાસી વિષ્ણુએ ઘરે બેસી રહેવાની જગ્યાએ કંઈક નવું કરવાનો વિચાર કર્યો હતો. તેમણે મોટાભાઈ સીતારામ પાસેથી પ્રેરણા મેળવી અને સર્જનશક્તિમાં જોડાઈ ગયાં.

તેમણે પહેલાં હનુમાન ચાલીસા લખી હતી અને બાદમાં 173 પાના પર સુંદર કાંડ લખ્યું હતું. તેમણે કોઈ પણ શબ્દે કે અંક પર રામનુ નામ દેખાય તેવી રીતે સુંદર કાંડ કથ લખી છે. તેમણે બાલકાંડથી રામચરિત માનસ લખવાની શરૂઆત પણ કરી દીધી છે, જે ત્રણ વર્ષની અંદર પૂરી થશે. તેઓ  આ લખાણ માટે ચાર કલરની પેનનો ઉપયોગ કરે છે. તેઓએ જણાવ્યું હતું કે, તેઓ પોતાના લખાણને હસ્તલિખિત ગ્રંથોને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરશે અને રામચરિત માનસને કોઈ સંગ્રહાલયને સોંપશે. 

ઘરમાં શા માટે ભગવાનની તસવીર હોવી જોઈએ?

1, મે

દરેક ઘરમાં ભગવાનની તસવીરો જોવા મળે છે. ધર્મ ભલે કોઈપણ હોય, પરંતુ ઘરમાં ધાર્મિક પ્રતીક રાખવું તે દરેક ધર્મોમાં શુભ મનાય છે. હિંદુઓના ઘરમાં દેવી દેવતાઓની, મુસ્લિમોના ઘરમાં મક્કા-મદીનાની, શીખોના ઘરમાં વાહેગુરુની તો ખ્રિસ્તી પરિવારોમાં જીસસની તસવીરો જોવા મળતી હોય છે. તમને એવો વિચાર આવે છે ખરા કે ઘરમાં શા માટે ભગવાનની મૂર્તિઓ રાખવામાં આવતી હોય છે? ૉ

તેના પાછળ મનોવૈજ્ઞાનિક કારણ કામ કરે છે. ઘરમાં ભગવાનની મૂર્તિઓ લગાવવાથી અને તેની નિયમિત રીતે પૂજા અર્ચના કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં નાના નાના ફેરફારો કરીને તમે માનસિક શાંતિ મેળવી શકો છો.

ઘરમાં તસવીરો કે મૂર્તિ તો બધાં સામાન્ય રીતે મૂકતાં હોય છે, પરંતુ તેને યોગ્ય દિશામાં મૂકતાં ફાયદો થઈ શકે છે. યોગ્ય દિશામાં મૂકેલ મૂર્તિ કે તસવીર તમને સતત અહેસાસ કરાવે છે કે ઘરમાં ભગવાન વસેલાં છે. તસવીરો અજાણ રીતે પણ તમને આત્મશક્તિ પૂરી પાડે છે. ઘરમાં રહેલ ભગવાનની મૂર્તિ તમને ખોટાં કામો કરતાં અટકાવે છે.