Wednesday, November 7, 2012

ધનતેરસઃ ધન પૂજનનો શ્રેષ્ઠ અવસર


પૂજન પર્વ - પ્રશાંત પટેલ
ધનતેરસ : રવિવાર ૧૧ નવેમ્બર, ૨૦૧૨
ધનતેરસના દિવસે ધન તથા માતા લક્ષ્મીજીનાં પૂજન પાછળ પણ એક કથા જોડાયેલી છે, તે પ્રમાણે લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુનો શાપ હતો કે તેમણે તેર વર્ષ સુધી ખેડૂતને ત્યાં રહેવાનું છે. આ તેર વર્ષ દરમિયાન ખેડૂતનાં ધન-ધાન્યમાં ખૂબ વૃદ્ધિ થઈ. શાપની અવધિ પૂર્ણ થઈ અને ભગવાન વિષ્ણુ જ્યારે તેમને પાછાં લેવા આવે છે ત્યારે ખેડૂતે તેમને જતાં રોક્યાં ત્યારે લક્ષ્મીજીએ ખેડૂતને વરદાન આપ્યું કે ધનતેરસના દિવસે દીવા પ્રગટાવીને જે વ્યક્તિ ધન પૂજન તથા મારું પૂજન કરશે તે ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહેશે.
યમરાજને દીપદાન
પરંપરા અનુસાર ધનતેરસની સંધ્યાએ યમરાજનું પૂજન કરવામાં આવે છે તથા દક્ષિણ દિશામાં તેમના માટે તેર દીવા પ્રગટાવવામાં આવે છે તેની પાછળ એક પ્રચલિત કથા છે. એ કથા પ્રમાણે એક વાર યમરાજાએ પોતાના દૂતોને પ્રશ્ન કર્યો કે, 'શું તમને પ્રાણીઓના પ્રાણ હણતી વખતે કોઈ પણ પ્રાણી ઉપર દયા આવી છે?' આ પ્રશ્ન સાંભળીને યમદૂતોએ એક સ્વરમાં કહ્યું, 'મહારાજ અમે બધા તો તમારા સેવક છીએ અને તમારી આજ્ઞાનું પાલન કરવું એ જ અમારો ધર્મ છે, તેથી દયા અને મોહ-માયા સાથે અમારે કંઈ લેવા-દેવા નથી.'
યમરાજે ફરીથી તેમને નિર્ભય બનીને સાચું જણાવવા કહ્યું, ત્યારે યમદૂતોએ જણાવ્યું કે, 'એક દિવસ હંસ નામનો એક રાજા શિકાર કરવા માટે જંગલમાં ગયો અને ગાઢ જંગલમાં પોતાના સાથીદારોથી વિખૂટો પડીને બીજા રાજ્યના સીમાડામાં પહોંચી ગયો. તે રાજ્યના રાજાનું નામ હેમ હતું. તેમણે હંસનો રાજકીય સત્કાર કર્યો. તે જ દિવસે હેમની પત્નીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો, પરંતુ જ્યોતિષીઓએ ભવિષ્યવાણી કરી કે વિવાહના ચોથા જ દિવસે આ બાળકનું મૃત્યુ થશે. આ દુઃખદ રહસ્ય જણીને હેમ રાજાએ પોતાના નવજાત પુત્રને યમુનાના તટ પર એક ગુફામાં મોકલી દીધો અને ત્યાં જ તેના ઉછેરની શાહી વ્યવસ્થા કરી. કોઈ પણ યુવતીનો પડછાયો પણ તેના પર ન પડે તેનું ધ્યાન રાખ્યું, પરંતુ વિધિનું વિધાન અડગ હતું.
એક દિવસ રાજા હંસની પુત્રી ફરતાં-ફરતાં યમુના તટે આવી અને રાજકુમારને જોતાં જ તેના પર મોહિત થઈ ગઈ. રાજકુમારની પણ આ જ દશા હતી, તેથી બંને જણે તે સમયે ગાંધર્વવિવાહ કરી લીધા. વિધિના વિધાન અનુસાર ચાર દિવસ પછી રાજકુમારનું મૃત્યુ થઈ ગયું.
યમદૂતોએ યમરાજને જણાવ્યું કે, 'તેમણે આવી સુંદર જોડી પોતાના જીવનમાં પહેલાં ક્યારેય નથી જોઈ. તેઓ કામદેવ અને રતિ જેવા સુંદર હતાં, તેથી રાજકુમારના પ્રાણ હરણ કર્યા પછી નવવિવાહિતા રાજકુમારીનો કરુણ વિલાપ સાંભળીને અમારું કાળજુ કંપી ઊઠયું.'
આખી ઘટનાનો વૃત્તાંત સાંભળ્યા પછી યમરાજાએ યમદૂતોને કહ્યું કે, આસો વદ તેરસના દિવસે જે પણ વ્યક્તિ ધન્વંતરિ દેવનું પૂજન અને મારા માટે દીપદાન કરશે તે અકાળ મૃત્યુથી બચી જશે.
એવી માન્યતા છે કે ત્યારથી ધન્વંતરિ અને યમરાજનું પૂજન કરવાની તથા દક્ષિણ દિશામાં તેર દીવા પ્રગટાવવાની પ્રથા શરૂ થઈ. આ સિવાય ધનતેરસના દિવસે ઘરનાં તૂટેલાં-ફૂટેલાં વાસણોને બદલીને નવાં વાસણો તથા સોનાં-ચાંદીનાં ઘરેણાં કે વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. 
કુબેર પૂજન
ધનતેરસના દિવસે ધનના દેવતા કુબેરની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. કહેવાય છે કે લંકાના રાજા રાવણે કુબેરની સાધના કરી તેમને પ્રસન્ન કરીને સુવર્ણની લંકા બનાવી હતી. ચાંદી એ કુબેરની ધાતુ છે, તેથી ધનતેરસના દિવસે ચાંદીની ખરીદી કરવાથી ઘરની સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. તિજોરી અને કુબેર યંત્રનું પૂજન પણ કરવામાં આવે છે.
ધન્વંતરિ દેવનો જન્મદિવસ
જેરીતે સમુદ્રમંથન દરમિયાન તેમાંથી માતા લક્ષ્મી ઉત્પન્ન થયાં હતાં તે જ રીતે ભગવાન ધન્વંતરિ પણ અમૃત કળશ લઈને સમુદ્રમંથનમાંથી ઉત્પન્ન થયા હતા. માતા લક્ષ્મી ધનનાં દેવી છે, પરંતુ તેમની કૃપા મેળવવા માટે શારીરિક સ્વસ્થતા અને લાંબું આયુષ્ય પણ હોવું જોઈએ. આસો વદ તેરસના દિવસે ધન્વંતરિનો જન્મ થયો હતો, તેથી ધનતેરસે ધન્વંતરિ જયંતી મનાવવામાં આવે છે. તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માનવામાં આવે છે. ધન્વંતરિને દેવોના વૈદ્ય માનવામાં આવે છે,તેથી વૈદ્યો અને ચિકિત્સકો આ દિવસે ધન્વંતરિ દેવનું પૂજન કરે છે. ધન્વંતરિ જ્યારે પ્રગટ થયા ત્યારે તેમના હાથમાં અમૃતથી ભરેલો કળશ હતો. ધન્વંતરિ કળશ (પાત્ર, વાસણ) લઈને પ્રગટ થયા હતા, તેથી ધનતેરસના દિવસે વાસણ ખરીદવાની પરંપરા છે. એવું પણ કહેવાય છે કે ધનતેરસના દિવસે ધન અથવા વસ્તુ ખરીદવાથી તેમાં તેર ગણી વૃદ્ધિ થાય છે. પિત્તળ એ ધન્વંતરિની ધાતુ છે, તેથી ધનતેરસના દિવસે પિત્તળની ખરીદી કરવાથી આરોગ્ય, આયુષ્ય અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

No comments:

Post a Comment