ભગવાન શંકરનાં બાર જ્યોતિર્લિગ વિશ્વભરના ભોળાનાથના ભક્તો માટે હંમેશાંથી આસ્થાનું કેન્દ્ર રહ્યાં છે. આ બાર જ્યોતિર્લિગોમાંનું એક ગુજરાત રાજ્યમાં વેરાવળના દરિયાકિનારે આવેલું સોમનાથ મહાદેવનું મંદિર વિશ્વવિખ્યાત છે.
ઈ.સ. ૧૯૪૭માં ભારત દેશ આઝાદ થયા પછી સરદાર વલ્લભભાઈએ સમુદ્રનું જળ હાથમાં લઈને સોમનાથના જીર્ણશીર્ણ થઈ ગયેલા શિવમંદિરની જગ્યાએ જ નવું સોમનાથ મંદિર બનાવવાનું એટલે કે જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કર્યું. શિવજીના મંદિરનું અહીં શિલારોપણ ઈ.સ. ૧૯૫૦ની આઠમી મેના રોજ થયું. ઈ.સ. ૧૯૫૧ની ૧૧મી મે વિક્રમ સંવત ૨૦૦૭ના વૈશાખ સુદ પાંચમના દિવસે સવારે ૯-૪૭ કલાકે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે ભગવાન સોમનાથની પ્રતિષ્ઠાવિધિ કરી હતી.
સોમનાથની પૌરાણિક કથા સદીઓ પહેલાંની અતિપવિત્ર એવા પ્રભાસ પાટણની વાત છે. આ ક્ષેત્રના રાજા દક્ષ પ્રજાપતિએ પોતાની ૨૭ કન્યાઓના વિવાહ ચંદ્રદેવ સાથે કરાવ્યા, પરંતુ ચંદ્રને તો માત્ર રોહિણી નામની કન્યા પ્રત્યે જ અનુરાગ હતો. આ રીતે એકને બાદ કરતાં ૨૬ કન્યાઓ પતિના આવા પક્ષપાતને કારણે ખૂબ જ દુઃખી રહેતી હતી. આ બાબતની જાણ થતાં દક્ષ રાજાએ ચંદ્રદેવને ખૂબ સમજાવ્યા. અથાક પ્રયત્નો કરવા છતાં વાતને ન સમજનાર ચંદ્ર પર ક્રોધિત થઈને દક્ષ રાજાએ શાપ આપ્યો કે, 'જા, તું જેના પર અભિમાન કરે છે તેવા તારા તેજનો ક્ષય થઈ જશે અને તું હંમેશને માટે અદૃશ્ય થઈ જઈશ.'
શાપને કારણે ચંદ્રદેવે પોતાનું બધું જ તેજ ગુમાવ્યું. તેઓ આ શાપથી ખૂબ જ વ્યથિત થઈ ગયા અને મુક્તિ મેળવવા માટે પરમપિતા બ્રહ્માજી પાસે ગયા. તેમણે ઉપાય બતાવતા જણાવ્યું કે, 'ચંદ્રદેવ, મૃત્યુંજય ભગવાનની આરાધના કર.' ચંદ્રદેવે સમગ્ર દેવતાઓ સહિત પ્રભાસમાં આવીને મૃત્યુંજય ભગવાન ભોળાનાથની અર્ચના-અનુષ્ઠાન કર્યું. મૃત્યુંજય મહામંત્રની પૂજા અને જાપ થવા લાગ્યા. છ મહિનાનો સમય વીતી ગયો અને દસ કરોડ જાપ પૂર્ણ થયા. અંતે ભગવાન શિવ પ્રસન્ન થયા અને પોતાનું તેજ ખોઈને મૃત્યુતુલ્ય બનેલા ચંદ્રમાને અમરત્વનું વરદાન આપ્યું, પરંતુ ચંદ્રએ કરેલો અપરાધ ક્ષમા કરવા યોગ્ય ન હતો તેથી તેમણે કહ્યું, 'પંદર દિવસ સુધી તમારી એક એક કલા વધતી જશે, છેલ્લે પૂર્ણિમાના દિવસે તમે પૂર્ણ ચંદ્રના રૂપમાં આવી જશો.' આ રીતે કલાહીન, કલાધાર ભોળાનાથની કૃપાથી ચંદ્ર ફરી એક વાર કલાયુક્ત થઈ ગયો. ચંદ્રદેવે આશુતોષને પ્રાર્થના કરી કે તેઓ પૃથ્વી પરના બાકીના ભક્તોના ઉદ્ધાર માટે મૃત્યુંજય દેવ આ પૃથ્વી પર વસે. તેથી પ્રભાસ ક્ષેત્રમાં જ્યોતિર્લિગના સ્વરૂપમાં તેમણે હંમેશને માટે વાસ કર્યો. તે દિવસથી ચંદ્રએ ભગવાન શંકરને પોતાના ઇષ્ટદેવ માન્યા. ત્યારથી ભોળાનાથ પ્રભાસમાં 'ચંદ્રના નાથ' નામથી પુજાય છે. સોમ એટલે ચંદ્ર. કળિયુગમાં તેઓ સોમનાથના નામથી પુજાય છે.
No comments:
Post a Comment