સનાતન સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનું સૌથી મહત્વનું તીર્થધામ છે, બનારસ..આ શહેરના ત્રણ નામો છે. કાશી, બનારસ અથવા વારાણસી..તરીકે ઓળખાતા આ નગરની વિશેષતા એ છે કે, અહીં ઘરો કરતા મંદિરોની સંખ્યા વધારે છે. કાશીમાં ઠેર-ઠેર મંદિરોની હારમાળા જોવા મળે છે. અહીં દિવસ-રાત ભક્તિસભર વાતાવરણ છવાયેલુ રહે છે. પરંતુ, કાશીની વાત કરીએ તો કાશીવિશ્વનાથનું નામ પહેલા આવે..કહેવાય છે કે, કાશી ભગવાન શંકરની નગરી છે અને અહીં મૌજુદ છે, 12 જ્યોર્તિલીંગ પૈકીનું સૌથી મહત્વનુ જ્યોર્તિલીંગ કાશીવિશ્વનાથ.. વારાણસીના કાશીવિશ્વનાથ મંદિરની આરતીનો લ્હાવો લેવા જેવો છે. સનાતન સંસ્કૃતિના મૂળમાં રહેલી તમામ પરંપરા અને પૂજનવિધીનું સચોટતાથી પાલન કરીને ભગવાન વિશ્વનાથની આરાધના કરવામાં આવે છે. બનારસમાં પ્રભાતનું વાતાવરણ અત્યંત આલૌકિક હોય છે. અહીં, ચારે તરફ મંદિરની આરતીનો ઘંટનાદ, વૈદિક મંત્રોચ્ચાર, પૂજનવિધી, સાધના અને જાપનો કર્ણપ્રીય અવાજ સાંભળવા મળે છે. પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરીને ત્યાંથી સીધા મંદિર તરફ દોટ મૂકતા લોકોની ભગવાન પ્રત્યેની અતૂટ શ્રધ્ધાના દર્શન અહીં રોજ થાય છે. અહીં, ગંગાની આરતીનું પણ અનેરૃ મહત્વ છે. એક કહેવત પ્રચલિત છે કે, સુરતનું જમણ અને કાશીનું મરણ..તમને જાણીને આશ્ચર્ય થશે કે, અનેક વયોવૃધ્ધો પોતાના જીવનનો અંતિમ તબક્કે ભગવાન શંકરની નગરી કાશીમાં વ્યતિત કરે છે. તેમનુ માનવુ છે કે, કાશીમાં મૃત્યુ થાય તો સીધો મોક્ષ મળે...!!
જમ્મુ-કાશ્મીરમાં 13,600 ફૂટની ઉંચાઈ પર હિન્દુઓની ધાર્મિક આસ્થાનું કેન્દ્ર અમરનાથ આવેલુ છે. અમરનાથની ગૂફામાં દરવર્ષે શિયાળા દરમિયાન આપોઆપ બરફનુ વિશાળ શિવલીંગ રચાય છે. જેના દર્શન માટે લાખો શ્રધ્ધાલુઓ દુર્ગમ યાત્રા ખેડીને અમરનાથ ગુફા સુધી પહોંચે છે. કડકડતી ઠંડી વચ્ચે બરફના પર્વતોના સીધા અને જોખમી ચઢાણ અને કિલોમીટરો સુધીની પગપાળા યાત્રા કર્યા પછી અમરનાથની ગુફા સુધી પહોંચતા શ્રધ્ધાળુઓ જ્યારે બાબા બર્ફાનીના દર્શન કરે, તે સાથે જ તેમનો સઘળો થાક ઉતરી જાય છે. કહેવાય છે કે, જીવનમાં એક વખત અમરનાથની યાત્રા જરૃર કરવી જોઈએ. અહીં, ભગવાન શંકરનો સાક્ષાત્કાર અચૂક થાય છે.
અષાઢી પૂનમથી માંડીને રક્ષાબંધન સુધી અમરનાથના પવિત્ર શિવલીંગના દર્શન થાય છે. આશ્ચર્યની વાત એ છે કે, અમરનાથ ગુફામાં એક નિશ્ચિત સ્થળે પાણી ટપકતુ રહે છે. શિયાળામાં આ પાણી બરફ બની જાય છે અને ધીરેધીરે તે શિવલીંગનો આકાર પામી લે છે. પ્રાકૃતિક રીતે સર્જાતી આવી વિરલ ઘટનાને નજરે નિહાળવા માટે અને પવિત્ર શિવલીંગના દર્શન માટે લાખો શ્રધ્ધાળુઓ દરવર્ષે અમરનાથ પહોંચે છે.
અમરનાથના શિવલીંગની ઉંચાઈ અંદાજીત દસેક ફુટ જેટલી હોય છે. પરંતુ, જેમ-જેમ ઠંડીનું પ્રમાણ ઘટતુ જાય તેમતેમ શિવલીંગ પિગળવા માંડે છે અને તેની ઉંચાઈ ઘટવા લાગે છે. અમરનાથ શિવલીંગની આજુબાજુમાં ગણેશ, ભૈરવ અને પાર્વતી નામના જુદાજુદા પર્વતો છે. અહીં, શિવ પરિવાર પર્વતના સ્વરૃપે મૌજુદ છે. અમરનાથની ગુફામાં બીજો એક ચમત્કાર એવો સર્જાય છે કે, અહીં કબુતરોની બેલડી હંમેશા રહે છે. નર અને માદા કબુતરો ગુફાની ઉપર રહે છે. અચંબિત કરી દે તેવી વાત એ છે કે, ગુફાનું તાપમાન શૂન્યથી નીચે રહેતુ હોવા છતાંય કબુતરોને તેની કોઈ માઠી અસર થતી નથી. વર્ષોથી આ બંને કબુતરો શિવલીંગની આસપાસ જ ઉડ્યા કરે છે. મંદિરના પૂજારી પણ બંનેને ત્યાંથી હટાવતા નથી.
કહેવાય છે કે, અમરનાથની ગુફામાં બેસીને ભગવાન શંકરે માતા પાર્વતીને અમરકથા સંભળાવી હતી. જેને સાંભળીને શુકદેવજી ઋષિ સ્વરૃપે અમર થઈ ગયા હતા. ગુફામાં વસવાટ કરી રહેલા બે કબુતરોને લોકો અમર પક્ષી કહે છે. આ બંને પણ શિવજી દ્વારા વર્ણવવામાં આવેલી અમરકથા સાંભળીને અમરત્વ પ્રાપ્ત કરી ચુક્યા હોવાનુ મનાય છે.
યોગી, ફકીર અથવા ગુરૃના નામે સંબોધિત કરાતા સાંઈબાબાના વિશ્વભરમાં લાખો ભક્તો છે. સાંઈબાબાનુ સાચુ નામ, જન્મ, માતા-પિતા અને સરનામા સહિતની કોઈપણ માહિતી કોઈની પાસે નથી પરંતુ, પ્રત્યેક ભક્ત તેમની સાથે ગુરૃ અને શિષ્યના સંબંધથી જોડાયેલો છે. મહારાષ્ટ્રના નાસિકથી 90 કિલોમીટર દૂર આવેલા પવિત્ર યાત્રાધામ શિરડીમાં આવ્યા પછી સાંઈબાબાને તેમનુ નામ સાંઈ મળ્યુ હતુ. આજે પણ શિરડીના કણેકણમાં સાંઈનો વસવાટ છે.
પવિત્ર યાત્રાધામ શિરડી હવે, કરોડો ભક્તો માટે શ્રધ્ધાનુ કેન્દ્રસ્થાન બની ચુક્યુ છે. વાર-તહેવાર અને રજાના દિવસે શિરડીમાં એક સાથે લાખો ભક્તો સાંઈબાબાના દર્શન લાભ લેવા માટે ઉમટી પડે છે. જેને કારણે શિરડી હવે, મહારાષ્ટ્રનું મહત્વનું પર્યટન સ્થળ પણ ગણાય છે.
શિરડીની પવિત્ર ધરતી ઉપર પગ મૂકતાની સાથે સાંઈબાબાનાં નિર્મળ છાંયાનો અહેસાસ થવા લાગે છે. મુશ્કેલીમાં આવેલા ભક્તોની મદદ કરવા માટે સાંઈબાબા હંમેશા તત્પર રહે છે. કહેવાય છે કે, શિરડીમાં સાંઈબાબાના દર્શન કરનાર ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે.
યાત્રાધામ શિરડીની બીજી વિશેષતા એ છે કે, અહીં, સાંઈબાબાના દર્શન માટેની વ્યવસ્થ બિલકુલ સચોટ અને સુરક્ષિત છે. એક સાથે લાખો શ્રધ્ધાળુઓ કતારમાં ઉભા હોય તેમ છતાંય ધક્કામુક્કી કે, બીજી અગવડતાનો તેઓને અહેસાસ થતો નથી. ક્યારેક ભીડ વધારે હોય તો, કલાકો સુધી લાઈનમાં ઉભુ રહેવુ પડતુ હોય છે પરંતુ, મંદિર સંકુલની અંદર શ્રધ્ધાળુઓની કતારની આસપાસ ચા અને પાણીના સ્ટોલ, યોગ્ય વેન્ટીલેશન અને એરકુલરની વ્યવસ્થા પણ છે. જેને કારણે લાઈનમાં ઉભેલા વ્યક્તિને કોઈપણ પ્રકારની અસુવિધા નડતી નથી.
પૈસાદાર વ્યક્તિ હોય કે, પછી ઝૂપડામાં રહેતો ગરીબ...તમામ વર્ગના લોકોને સાંઈબાબા પ્રત્યે અતૂટ શ્રધ્ધા છે. અહીં, ધર્મ, જ્ઞાતિ કે, સંપ્રદાયના ભેદભાવ વિના તમામ લોકોને આવકાર આપવામાં આવે છે. શિરડી આવનારા યાત્રિકો માટે મંદિરના ટ્રસ્ટ દ્વારા રહેવાની તથા જમવાની સુવિધા આપવામાં આવે છે. શિરડીના દર્શન, આરતી અને એકોમોડેશન માટે ઈન્ટરનેટ પર બુકિંગની સુવિધા પણ છે.
|
This message has been truncated.
No comments:
Post a Comment