Thursday, April 26, 2012

સોમનાથઃ જ્યાં ચંદ્રદેવ શાપમુક્ત થયા


ભગવાન શંકરનાં બાર જ્યોતિર્લિગ વિશ્વભરના ભોળાનાથના ભક્તો માટે હંમેશાંથી આસ્થાનું કેન્દ્ર રહ્યાં છે. આ બાર જ્યોતિર્લિગોમાંનું એક ગુજરાત રાજ્યમાં વેરાવળના દરિયાકિનારે આવેલું સોમનાથ મહાદેવનું મંદિર વિશ્વવિખ્યાત છે.
ઈ.સ. ૧૯૪૭માં ભારત દેશ આઝાદ થયા પછી સરદાર વલ્લભભાઈએ સમુદ્રનું જળ હાથમાં લઈને સોમનાથના જીર્ણશીર્ણ થઈ ગયેલા શિવમંદિરની જગ્યાએ જ નવું સોમનાથ મંદિર બનાવવાનું એટલે કે જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કર્યું. શિવજીના મંદિરનું અહીં શિલારોપણ ઈ.સ. ૧૯૫૦ની આઠમી મેના રોજ થયું. ઈ.સ. ૧૯૫૧ની ૧૧મી મે વિક્રમ સંવત ૨૦૦૭ના વૈશાખ સુદ પાંચમના દિવસે સવારે ૯-૪૭ કલાકે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે ભગવાન સોમનાથની પ્રતિષ્ઠાવિધિ કરી હતી.
સોમનાથની પૌરાણિક કથા સદીઓ પહેલાંની અતિપવિત્ર એવા પ્રભાસ પાટણની વાત છે. આ ક્ષેત્રના રાજા દક્ષ પ્રજાપતિએ પોતાની ૨૭ કન્યાઓના વિવાહ ચંદ્રદેવ સાથે કરાવ્યા, પરંતુ ચંદ્રને તો માત્ર રોહિણી નામની કન્યા પ્રત્યે જ અનુરાગ હતો. આ રીતે એકને બાદ કરતાં ૨૬ કન્યાઓ પતિના આવા પક્ષપાતને કારણે ખૂબ જ દુઃખી રહેતી હતી. આ બાબતની જાણ થતાં દક્ષ રાજાએ ચંદ્રદેવને ખૂબ સમજાવ્યા. અથાક પ્રયત્નો કરવા છતાં વાતને ન સમજનાર ચંદ્ર પર ક્રોધિત થઈને દક્ષ રાજાએ શાપ આપ્યો કે, 'જા, તું જેના પર અભિમાન કરે છે તેવા તારા તેજનો ક્ષય થઈ જશે અને તું હંમેશને માટે અદૃશ્ય થઈ જઈશ.'
શાપને કારણે ચંદ્રદેવે પોતાનું બધું જ તેજ ગુમાવ્યું. તેઓ આ શાપથી ખૂબ જ વ્યથિત થઈ ગયા અને મુક્તિ મેળવવા માટે પરમપિતા બ્રહ્માજી પાસે ગયા. તેમણે ઉપાય બતાવતા જણાવ્યું કે, 'ચંદ્રદેવ, મૃત્યુંજય ભગવાનની આરાધના કર.' ચંદ્રદેવે સમગ્ર દેવતાઓ સહિત પ્રભાસમાં આવીને મૃત્યુંજય ભગવાન ભોળાનાથની અર્ચના-અનુષ્ઠાન કર્યું. મૃત્યુંજય મહામંત્રની પૂજા અને જાપ થવા લાગ્યા. છ મહિનાનો સમય વીતી ગયો અને દસ કરોડ જાપ પૂર્ણ થયા. અંતે ભગવાન શિવ પ્રસન્ન થયા અને પોતાનું તેજ ખોઈને મૃત્યુતુલ્ય બનેલા ચંદ્રમાને અમરત્વનું વરદાન આપ્યું, પરંતુ ચંદ્રએ કરેલો અપરાધ ક્ષમા કરવા યોગ્ય ન હતો તેથી તેમણે કહ્યું, 'પંદર દિવસ સુધી તમારી એક એક કલા વધતી જશે, છેલ્લે પૂર્ણિમાના દિવસે તમે પૂર્ણ ચંદ્રના રૂપમાં આવી જશો.' આ રીતે કલાહીન, કલાધાર ભોળાનાથની કૃપાથી ચંદ્ર ફરી એક વાર કલાયુક્ત થઈ ગયો. ચંદ્રદેવે આશુતોષને પ્રાર્થના કરી કે તેઓ પૃથ્વી પરના બાકીના ભક્તોના ઉદ્ધાર માટે મૃત્યુંજય દેવ આ પૃથ્વી પર વસે. તેથી પ્રભાસ ક્ષેત્રમાં જ્યોતિર્લિગના સ્વરૂપમાં તેમણે હંમેશને માટે વાસ કર્યો. તે દિવસથી ચંદ્રએ ભગવાન શંકરને પોતાના ઇષ્ટદેવ માન્યા. ત્યારથી ભોળાનાથ પ્રભાસમાં 'ચંદ્રના નાથ' નામથી પુજાય છે. સોમ એટલે ચંદ્ર. કળિયુગમાં તેઓ સોમનાથના નામથી પુજાય છે.

મંદિરની પ્રદક્ષિણા શા માટે કરવામાં આવે છે?


પરંપરા - સુખદેવ આચાર્ય
આપણે જ્યારે કોઈ મંદિરમાં જઈએ ત્યારે ભગવાનનાં દર્શન કર્યા પછી આપણે મંદિરના ગર્ભાગારની પ્રદક્ષિણા કરીએ છીએ. લોકો સામાન્ય રીતે ત્રણ વાર પ્રદક્ષિણા કરતા હોય છે. ક્યાંક આ સંખ્યા એક, ત્રણ, સાત, અગિયાર હોય છે. મંદિર સિવાય વડ અને પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવામાં આવે છે. ગણપતિજીએ પણ માતા-પિતાની પ્રદક્ષિણા કરીને સમગ્ર બ્રહ્માંડની પ્રદક્ષિણા કરી લીધી હતી. જે વાત સૌ કોઈ જાણે છે.
મધ્યબિંદુ વિના વર્તુળ દોરી શકાતું નથી. ઈશ્વર આપણા જીવનનું મધ્યબિંદુ, ઉદ્ભવસ્થાન અને સારતત્ત્વ છે. તેને આપણા જીવનનું મધ્યબિંદુ ગણીને આપણે દૈનિક કાર્યો કરતા હોઈએ છીએ.
વળી, વર્તુળ ઉપરનું દરેક બિંદુ કેન્દ્રથી સમાન અંતરે આવેલું હોય છે. એનો અર્થ એવો છે કે આપણે જ્યાં હોઈએ કે જે કંઈ પણ હોઈએ, આપણે સમાન રીતે ઈશ્વરની સમીપે જ છીએ. કોઈ પણ જાતના ભેદભાવ વિના તેની કૃપા આપણી તરફ વહેતી હોય છે.
પ્રદક્ષિણા હંમેશાં ડાબેથી જમણી બાજુ કરવામાં આવતી હોય છે. તેવું શા માટે તે જાણીએ. જ્યારે આપણે પ્રદક્ષિણા કરીએ છીએ ત્યારે ભગવાન હંમેશાં આપણી જમણી બાજુએ હોય છે. હિન્દુઓ જમણી બાજુને પવિત્ર ગણે છે, તેથી આપણે પ્રદક્ષિણા કરતા હોઈએ ત્યારે આપણે સતત એ વાતનું સ્મરણ રાખવું જોઈએ કે ધર્મના અને ઈશ્વરના પક્ષમાં રહીને આપણે પવિત્ર અને નેક જીવન જીવવાનું છે. ઈશ્વર શક્તિ અને મદદના ખૂબ જ જરૂરી મૂળ સ્ત્રોત છે, તે આપણા જીવનના સાચા પથદર્શક છે, સાચા મદદગાર છે. આમ વિચારવાથી આપણે આપણી દુષ્પ્રવૃત્તિઓ અને ભૂતકાળમાં કરેલાં પાપ ફરીથી કરવામાંથી બચી જઈએ છીએ.
આપણાં શાસ્ત્રો આપણને બોધ આપે છે. માતૃ દેવો ભવ. એટલે કે માતાને દેવરૂપ માનો. પિતૃ દેવો ભવ. એટલે કે પિતાને દેવરૂપ માનો. આચાર્ય દેવો ભવ. એટલે કે આચાર્યને દેવરૂપ માનો. આ વાતને ધ્યાનમાં રાખીને આપણે આપણાં માતા, પિતા અને ગુરુની દેવોની જેમ પ્રદક્ષિણા કરેલી તે કથા જાણીતી છે.
મંદિરમાં પૂજા કર્યા પછી આપણે મંદિરની પ્રદક્ષિણા કરીને આપણા અંતરમાં વરેલા પરમાત્માને સ્વીકારીને આપણે તેમનું સ્મરણ કરીએ છીએ. આપણે બહાર જેની મૂર્તિસ્વરૂપે પૂજા કરીએ છીએ, તે જ પરમાત્મા આપણી અંદર છે.

પ્રહલાદની પ્રાર્થના સાંભળી સ્તંભમાંથી પ્રગટેલા : ભગવાન નૃસિંહ


કવર સ્ટોરી - પ્રશાંત પટેલ
ભગવાન શ્રીહરિ વિષ્ણુના પાર્ષદ જય અને વિજય ઋષિઓના શાપને કારણે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ તરીકે જન્મ ધારણ કરે છે. હિરણ્યકશિપુ તેના પુત્રને મૃત્યુદંડ આપવા માગે છે ત્યારે પ્રહલાદની રક્ષા કાજે અને હિરણ્યકશિપુનો વધ કરવા ભગવાન વિષ્ણુ સાક્ષાત્ સ્તંભમાંથી નૃસિંહ (નરસિંહ) સ્વરૂપે પ્રગટ થાય છે. આ દિવસ વૈશાખ સુદ ચૌદશ હતો, જે નૃસિંહ જયંતી તરીકે ઊજવાય છે
ભગવાન શ્રી નૃસિંહ શક્તિ તથા પરાક્રમના પ્રમુખ દેવતા છે. નૃસિંહ જયંતીના અવસરે આપણે તેમના અવતરણની કથા જાણીએ.
પ્રાચીન કાળમાં કશ્યપ નામનો એક રાજા હતો. તેની પત્નીનું નામ દિતિ હતું. તેમને બે પુત્ર થયા જેમાંથી એકનું નામ હિરણ્યાક્ષ અને બીજાનું નામ હિરણ્યકશિપુ પાડયું હતું. હિરણ્યાક્ષને ભગવાન શ્રી વિષ્ણુએ જ્યારે તે પૃથ્વીને પાતાળલોકમાં લઈ ગયો હતો ત્યારે વારાહ રૂપ લઈને માર્યો હતો.
આ જ કારણે હિરણ્યકશિપુ ભગવાન શ્રીવિષ્ણુ પર ક્રોધિત થયો અને તેણે પોતાના ભાઈના મૃત્યુનો પ્રતિશોધ લેવા માટે કઠોર તપસ્યા કરીને બ્રહ્માજી અને શિવજીને પ્રસન્ન કર્યા. તેણે વરદાનમાં માંગ્યું કે, 'હું તમારા દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા કોઈ પ્રાણી અર્થાત્ મનુષ્ય, પશુ, પક્ષી, દેવતા, દૈત્ય, નાગ, કિન્નર વગેરે દ્વારા મારું મૃત્યુ ન થઈ શકે. ન હું અસ્ત્રથી મરું કે શસ્ત્રથી મરું. ન હું ઘરની અંદર મરું કે ન બહાર મરું. દિવસે ન મરું કે રાત્રે પણ ન મરું. ન પૃથ્વી પર મરું કે ન આકાશમાં મરું.'બ્રહ્માજીએ તેને તથાસ્તુ કહીને વરદાન આપ્યું. આ વરદાન મળતા જ તેની મતિ ફરી ગઈ અને તેનામાં અહંકાર એટલી હદે વધી ગયો કે તે પ્રજા પર અત્યાચાર કરવા લાગ્યો.
આ જ દિવસોમાં તેની પત્ની કયાધુએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો. તેનું નામ પ્રહ્લાદ પાડવામાં આવ્યું. પ્રહલાદ ધીરે-ધીરે મોટો થવા લાગ્યો. અચરજની વાત એ છે કે તેણે એક રાક્ષસના ઘરમાં જન્મ લીધો હોવા છતાં, રાક્ષસ જેવા એક પણ દુર્ગુણ તેનામાં ન હતા. તે ભગવાનનો પરમ ભક્ત હતો અને તે પોતાના પિતાને પ્રજા પર અત્યાચાર ન કરવા સમજાવતો હતો તથા અત્યાચારનો વિરોધ પણ કરતો હતો.
હિરણ્યકશિપુએ ભગવાનનું નામ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને જે કોઈ પણ ભગવાનનું નામ લેતું તેના પર તે અત્યાચાર ગુજારતો હતો, પરંતુ તેના જ ઘરમાં વિષ્ણુ ભક્ત હતો. ભગવાનની ભક્તિમાંથી પ્રહલાદનું મન હટાવવા તથા તેનામાં પણ પોતાના જેવા દુર્ગુણ ભરવા માટે હિરણ્યકશિપુએ ઘણાં પ્રયત્નો કર્યા, ઘણી યુક્તિઓ કરી. નીતિ-અનીતિ બધાનો પ્રયોગ કર્યો, પરંતુ પ્રહલાદ પોતાના માર્ગ પરથી ડગ્યો નહીં, છેલ્લે તેણે મજબૂર થઈને પ્રહ્લાદની હત્યા કરવા માટે ઘણાં ષડ્યંત્રો રચ્યાં. તેણે માણસો પાસે પ્રહલાદને ઊંચા પહાડ પરથી નીચે ફેંકાવ્યો, પરંતુ ભગવાન વિષ્ણુએ તેને ઉગાર્યો અને તે જીવતો રહ્યો. આવા તો અનેક પ્રયત્નો તેણે કર્યા, પરંતુ બધામાં તેને નિષ્ફળતા મળી. ભગવાનની કૃપાથી તેનો વાળ પણ વાંકો ન થયો.
એક વાર હિરણ્યકશિપુએ પોતાની બહેન હોલિકા કે જેને બ્રહ્માજીનું વરદાન હતું કે તે આગમાં બળશે નહીં, તેથી પ્રહલાદને બાળીને મારવાનું વિચાર્યું. તેને બોલાવી એક મોટી ચિતા બનાવીને હોલિકાના ખોળામાં પ્રહલાદને બેસાડવાની યુક્તિ કરી. હોલિકા લાકડાની બનાવેલી મોટી ચિતા પર બેસી ગઈ અને પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડયો. આ ચિતાને આગ લગાડવામાં આવી. આ આગમાં હોલિકા બળીને રાખ થઈ ગઈ અને પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો.
જ્યારે હિરણ્યકશિપુ ક્રોધે ભરાયો અને મ્યાનમાંથી તલવાર ખેંચીને પ્રહ્લાદને પૂછયું, 'દેખાડ તારો ભગવાન ક્યાં છે?' પ્રહલાદ વિનમ્રભાવથી કહ્યું, 'પિતાશ્રી, ભગવાન તો સર્વત્ર છે.'
'શું તારા ભગવાન આ સ્તંભ-થાંભલામાં પણ છે.' હિરણ્યકશિપુએ કહ્યું.
પ્રહ્લાદે જવાબ આપ્યો, 'હા, આ થાંભલામાં પણ છે.'
આ સાંભળીને ક્રોધિત હિરણ્યકશિપુએ પોતાની તલવાર વડે થાંભલા પર પ્રહાર કર્યો. તે જ ક્ષણે સ્તંભમાંથી ભયંકર નાદ થયો. જાણે કે બ્રહ્માંડ ફાટી ગયું હોય. સ્તંભને ચીરીને શ્રીનૃસિંહ ભગવાન પ્રગટ થયા. તે રૂપ સંપૂર્ણ મનુષ્યનું ન હતું તથા સંપૂર્ણ સિંહનું પણ ન હતું. બ્રહ્માજીના વરદાનને સત્ય કરવા માટે ભગવાન શ્રીવિષ્ણુએ નૃસિંહના રૂપમાં અવતાર લીધો. ભગવાન નૃસિંહ હિરણ્યકશિપુને પકડીને દ્વાર પર લઈ ગયા અને તેને પોતાની જાંઘો પર રાખીને કહ્યું, 'રે અસુર, દેખ હું મનુષ્ય નથી કે પશુ પણ નથી. ન તો તું ઘરની અંદર છે કે ન તો બહાર છે. તું પૃથ્વી પર નથી કે આકાશમાં પણ નથી. સૂર્યાસ્ત થઈ ગયો છે,પરંતુ રાત્રી શરૂ નથી થઈ. તેથી દિવસ નથી અને રાત પણ નથી.' આટલું કહીને ભગવાન નૃસિંહે તેની છાતી પોતાના નખ વડે ચીરીને તેનો વધ કર્યો. આમ તેમણે પ્રહ્લાદને સંકટમાંથી ઉગાર્યો. પ્રહ્લાદની પ્રાર્થના પર ભગવાન નૃસિંહે તેને મોક્ષ પ્રદાન કર્યું તથા પ્રહ્લાદની સેવા-ભક્તિથી પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે આજના દિવસે જે લોકો પણ મારું વ્રત કરશે, તે લોકો પાપમાંથી મુક્ત થઈને મારા પરમધામને પ્રાપ્ત કરશે.