Sunday, September 8, 2013

ભગવાન મહાવીર



ક્રોધનો પ્રતિકાર કરવાના બદલે અભય થઈ ધ્યાનસ્થ બની જાવ
ભગવાન મહાવીરના ગૃહત્યાગ બાદ શરૂઆતનાં વર્ષોની આ વાત છે. સાધનાના બીજા વર્ષનો એ પહેલો મહિનો હતો. ભગવાન મહાવીર દક્ષિણ વાચાલાથી ઉત્તર વાચાલા તરફ જઈ રહ્યા હતા. બંને સન્નિવેશોની વચ્ચે બે નદીઓ વહી રહી હતી. એક નદીનું નામ સુવર્ણબાલુકા અને બીજી નદીનું નામ રૂપ્ય બાલુકા. સુવર્ણબાલુકા નદીના કિનારે કાંટાળી ઝાડી હતી. મહાવીર તેની પાસેથી પસાર થઈ રહ્યા હતા.ચાલતા ચાલતા અચાનક તેમનાં શરીર પરનું વસ્ત્ર કાંટામાં ફસાઈ ગયું છતાં મહાવીર અટક્યા નહીં. તેમના શરીર પરનું વસ્ત્ર નીચે પડી ગયું. ભગવાન મહાવીરે તેની પર એક દૃષ્ટિ નાંખી અને તેમણે ચરણ ઊપાડયા. મહાવીર પાસે હવે પોતાનું કાંઈ છે તેવું દર્શાવવા માટે માત્ર શરીર જ હતું. વાસ્તવમાં એ એમનું ચૈતન્ય હતું. પહેલાં તેમનો શરીર સાથે પ્રેમસંબંધ હતો. હવે વિનિમયનો. તેઓ અધિકાંશ સમય ધ્યાનમાં વીતાવતા હતા. શરીરને જરૂર હોય તેટલું જ પોષણ આપતા હતા તેથી તેમને આવશ્યક શક્તિ મળી રહે.
હવે મહાવીર પાસે કોઈ ઘર નહોતું. કોઈ આશ્રમ નહોતો. તેઓ એકાંત, જંગલ, દેવાલય અને ક્યારેક સ્મશાનમાં પણ રહેતા હતા. સાધનાના પ્રથમ વર્ષમાં તેઓ કોલ્લાક સંન્નિવેશથી મોટાક સંન્નિવેશ પહોંચ્યા. એના બહારના ભાગમાં તપસ્વીઓનો એક આશ્રમ હતો. વિહાર કરતા કરતા તેઓ એ આશ્રમ તરફ ગયા. આશ્રમના વડા કુલપતિ મહાવીરના પિતા સિદ્ધાર્થના મિત્ર હતા. તેઓ ભગવાન મહાવીરને ઓળખી ગયા. તેમણે ભગવાન મહાવીરનું સ્વાગત કર્યું. બેઉએ એકબીજાનું અભિવાદન કર્યું. આશ્રમના કુલપતિએ મહાવીરને એક દિવસ તેમના આશ્રમમાં રોકાઈ જવા વિનંતી કરી. મહાવીર એક દિવસ ત્યાં રોકાયા. બીજા દિવસે તેઓ પ્રસ્થાન કરવાની તૈયારીમાં હતા ત્યારે જ આશ્રના કુલપતિએ કહ્યું: ''મુનિવર ! આ આશ્રમ આપનો જ છે. અત્યારે આપ જઈ રહ્યા છો તેથી હું નહીં રોકું. પરંતુ ચોમાસું ગાળવા માટે આપ અહીં પધારો તેવી મારી હાર્દિક ઈચ્છા છે.''
મહાવીર જતા રહ્યા કેટલાક મહિનાઓ સુધી આસપાસના વિસ્તારમાં ઘૂમ્યા. આશ્રમના કુલપતિની ઈચ્છાને અનુગ્રહિત કરવા તેઓ ચોમાસાના પ્રારંભે જ એ આશ્રમમાં પાછા આવ્યા. મહાવીર આમ તો સ્વતંત્રતાના આગ્રહી હતા અને અલખની ધૂણી ધખાવીને બેઠા હતા. પરંતુ આજે તેઓ એક આશ્રમના કુલપતિના બંધનમાં બંધાઈ ગયા.
કુલપતિએ મહાવીરને ઘાસની બનેલી એક ઝૂંપડીમાં ઉતારો આપ્યો. મહાવીર એ ઝૂંપડીમાં રહેવા લાગ્યા. અહીં તેમનું એક જ કાર્ય હતું- ધ્યાન. ભીતરની ગહેરાઈઓમાં ડૂબકી લગાવી સંસ્કારોની છાયા નીચે ડૂબેલા અસ્તિત્વનો સાક્ષાત્કાર કરવો એ જ એમનું ધ્યેય હતું. તેઓ ધ્યાનમાં એટલા મગ્ન રહેતા કે તેમને પોતાની જાત, પોતાના સ્થાન કે ઝૂંપડી તરફ ધ્યાન આપવાનો સમય જ નહોતો. આશ્રમના એક વહીવટકર્તાને આ ગમ્યું નહીં. એણે મહાવીરને અનુરોધ કર્યોઃ ''આપ આપની ઝૂંપડીની સારસંભાળ રાખો તો સારું.''
સમય વહેતો રહ્યો. હવે વાદળો આકાશમાં મંડરાવા લાગ્યા. વર્ષાનો આરંભ થયો. રીમઝીમ વરસાદ વરસવા લાગ્યો. પ્રકૃતિમાં શીતળતા છવાઈ ગઈ. ચારે બાજુ હરિયાળી ચાદર બીછાઈ ગઈ. આશ્રમની ગાયો પણ હવે અરણ્યમાં ખુલ્લી ચરવા લાગી. ઘાસ હજુ મોટું થયું નહોતું. ધરતી હજુ તો હમણાં જ અંકુરીત થઈ હતી. ભૂખી ગાયો જંગલમાં ખાઈ શકાય એટલું મોટું ઘાસ ના મળતાં ચારાની ખોજમાં આશ્રમની ઝૂંપડીઓ પાસે આવી પહોંચી. બીજા તપસ્વીઓ પોતપોતાની કુટીરોની રક્ષા કરતા હતા. મહાવીર જે ઝૂંપડીમાં રહેતા હતા ત્યાં પણ ગાયો પહોંચી ગઈ. ઝૂંપડીના છાપરા પર ઢાંકવામાં આવેલા ઘાસને ગાયો ખાવા લાગી. મહાવીર તો ધ્યાનમાં લીન હતા. મહાવીરને બહાર શું થાય છે તેની ખબર જ નહોતી. આ વાત આશ્રમના વડા કુલપતિ પાસે પહોંચી. એક તપસ્વીએ કુલપતિને કહ્યું: ''મેં મહાવીરને કહ્યું હતું છતાં તેઓ તેમની ઝૂંપડીની રક્ષા કરતા નથી.
આશ્રમના કુલપતિ ક્રોધે ભરાઈને મહાવીરની પાસે ગયા. તેમણે ઊંચા અવાજે કહ્યું: ''મુનિવર! નિમ્ન સ્તરની ચેતનાવાળું પક્ષી પણ પોતાના માળાની રક્ષા કરે છે. મને આશ્ચર્ય છે કે, આપ એક ક્ષત્રિય હોવા છતાં આશ્રમની રક્ષા માટે ઉદાસીન કેમ છો? શું એવી આશા રાખું કે ફરી મને આવી ફરિયાદ નહીં મળે?''
મહાવીરે શાંત ચિત્તે એટલું જ કહ્યું: 'આપ આશ્વસ્ત રહો. હવે આપને કોઈ ફરિયાદ નહીં મળે.''
આશ્રમના કુલપતિ પ્રસન્ન થઈ પોતાની કુટિયા તરફ ચાલ્યા ગયા.
મહાવીરે વિચાર્યું:''અત્યારે હું તો સત્યની ખોજમાં આવ્યો છું અને તેમાં જ ખોવાયેલો રહું છું. હું મારું ધ્યાન તેમાંથી હટાવીને ઝૂંપડાની રક્ષા માટે કેન્દ્રીત કરું તે સંભવિત નથી. ગાયો મારી ઝૂંપડીનું ઘાસ ખાઈ જાય છે જે બીજા તપસ્વીઓને પ્રીતિકર નહીં હોય. તેથી આ સ્થિતિમાં અહીં રહેવું મારા માટે શ્રેયસ્કર છે શું?''
આ અશ્રેયસની અનુભૂતિ બાદ તેઓ ઊભા થયા. તેમનાં ચરણો ગતિમાન થયાં. તેમણે ચોમાસાના ચાતુર્માસના માત્ર પંદર જ દિવસ આશ્રમમાં વીતાવ્યા. તેઓ ત્યાંથી આગળ વિહાર કરી ગયા. આશ્રમ છોડી દીધો. બાકીનો સમય તેમણે અસ્થિકગ્રામના પાર્ર્શ્વવર્તી શૂલપાણિ યક્ષ મંદિરમાં વિતાવ્યો.
તપસ્વીઓના આશ્રમની એ ઘટનાએ મહાવીરને સ્વતંત્રતા- અભિયાનની દિશામાં કેટલાક નવા આયામ ખોલી દીધા. આશ્રમમાંથી પ્રસ્થાન બાદ એ જ સમયે તેમણે પાંચ સંકલ્પ કર્યા-
(૧) હું અપ્રીતિકર સ્થાનમાં નહીં રહું.
(૨) પ્રાયઃ ધ્યાનમાં જ લીન રહીશ
(૩) પ્રાયઃ મૌન રહીશ
(૪) હાથમાં જ ભોજન કરીશ
(૫) ગૃહસ્થોનું અભિવાદન નહીં કરું.
મહાવીર માટે જાણે કે અંતર્જગતનું પ્રવેશદ્વાર ખૂલી ગયું. લૌકિક માનદંડોનો ભય તેમને જોઈતી હતી તે સ્વતંત્રતાનું હવે બાધક રહ્યું નહીં. હવે શરીર ઉપકરણ અને સંસ્કારોની સુરક્ષા માટે ઊઠવાવાળો ભય ર્નિિવર્ય થઈ ગયો.
 કુમાર વર્ધમાન હવે વન-જંગલોમાં વિહાર કરતા રહ્યા. ભયાનક શૂલપાણી યક્ષ મંદિરમાં પણ તેઓ રહ્યા. જંગલોમાં અને નિર્જન સ્થળે તેઓ સાધના કરતા રહ્યા. ભયાનક ઘાટીઓમાં ભૂત-પ્રેત કે જંગલી જાનવરોથી તેઓ ડર્યા નહીં. વિષધર સર્પોથી કે વીંછીઓથી પણ ભયભીત ના થયા. એ ઘાટીઓ પાર કર્યા બાદ એક દિવસ વૈશાખી ર્પૂિણમાના દિવસે તેઓ ધ્યાનમાં બેઠા હતા. તેમને કોઈ અશાંતિનો અનુભવ થયો. એ જ સમયે તેમણે સંકલ્પ કર્યો કે, ''હું આજે બોધિ પ્રાપ્ત કર્યા વિના આસન નહીં છોડું.''જેમ જેમ તેમની એકાગ્રતા વધતી ગઈ તેમ તેમ તેમની સમક્ષ ભયંકર આકૃતિઓ ઉપસતી ગઈ. જંગલી જાનવર, અજગર અને રાક્ષસોએ તેમને ખૂબ કષ્ટ આપ્યું, પરંતુ તેઓ અવિચળ રહ્યા. જરાયે ચલાયમાન થયા નહીં. તેમનું મન શાંત થયું અને તેમને બોધિ પ્રાપ્ત થઈ ગઈ. તેઓ હવે કુમાર વર્ધમાન નહીં, પરંતુ મહાવીરમાં રૂપાંતરિત થઈ ચૂક્યા હતા.
સાધનાના બીજા વર્ષે તેઓ ઉત્તરવાચાલા તરફ જવા નીકળ્યા. રસ્તામાં ગોવાળિયાઓએ એ માર્ગે ના જવા સલાહ આપીઃ ''એ રસ્તે ના જશો ત્યાં ચંડકૌશિક નામનો સાપ રહે છે. તે દૃષ્ટિ વિષ છે. જે માણસ તેની દૃષ્ટિમાં આવી જાય છે તે ભસ્મ થઈ જાય છે.''
મહાવીરનું મન પુલક્તિ થઈ ગયું. તેઓ અભય અને મૈત્રી એ બંનેની કસોટી કરવા માંગતા હતા. તેઓ આગળ વધ્યા. તેઓ એક નિર્જન અને જર્જરિત દેવાલય પાસે પહોંચ્યા. તેનો મંડપ તે ચંડકૌશિક સાપનું ક્રીડાસ્થળ હતું. ભગવાન મહાવીર મંડપની મધ્યમાં જ કાર્યોત્સર્ગની મુદ્રામાં ઊભા રહી ગયા. તેઓ ધ્યાનની ચરમ મુદ્રામાં પ્રવેશ્યા. બ્રાહ્યજગત અને ઈન્દ્રિય સંવેદના સાથેનો તેમનો સંબંધ હવે સમાપ્ત થઈ ચૂક્યો હતો. તેઓ ઈર્ષા, વિષાદ શોક, ભય આદિ માનસિકતાથી તથા ઠંડી, ગરમી, વિષ-શસ્ત્ર જેવાં શારીરિક દુઃખોથી પણ દૂર ચાલ્યા ગયા હતા. થોડી જ વારમાં ચંડકૌશિક સાપ જંગલમાં ફરીને આ મંડપ નીચે આવી પહોંચ્યો. એણે ભગવાન મહાવીરને જોયા. ચંડકૌશિકે પહેલી જ વાર દેવાલયના મંડપમાં એક માનવીને જોયો. એક ક્ષણ તે સ્તબ્ધ થઈ ગયો પરંતુ બીજી જ ક્ષણે તેણે ફેંણ ઉઠાવી. તેની દૃષ્ટિ વિષમય બની ગઈ. ભયંકર ફૂંફાડો મારી એણે મહાવીરને જોયા. ચંડકૌશિક સાપને હતું કે ક્ષણભરમાં આ માણસ ભસ્મ થઈ નીચ પડશે, પણ એણે જોયું તો એ માનવી હજું ત્યાં જ ઊભો હતો. પહેલા ફૂંફાડાની નિષ્ફળતાથી તે વધુ ક્રોધે ભરાયો. થોડુંક પાછા હટીને એણે ફરી ભયંકર વિષ દૃષ્ટિથી મહાવીર તરફ ફૂંફાડો માર્યો. મહાવીર પર તેની કોઈ જ અસર ના થઈ. ત્રીજીવાર વિષ ભરેલી દૃષ્ટિથી ફૂંફાડો માર્યો. કોઈ જ પરિણામ આવ્યું નહીં. મહાવીર હજુ પણ એક પર્વતની જેમ અપ્રકંપ ભાવથી ઊભેલા હતા. ચંડકૌશિકનો ક્રોધ હવે પરાકાષ્ટાએ હતો. એ ચમચમાતી જીભ બહાર કાઢી મહાવીર તરફ ધસ્યો. પોતાનું તમામ વિષ જીભમાં આણી દઈ એણે મહાવીરના ડાબા પગના અંગૂઠા પર ભયંકર ડંખ માર્યો. મહાવીર હજુ સ્થિર હતા. બીજી વાર પગ પર ડંખ માર્યો. ત્રીજી વાર તેમના પગમાં લપેટાઈ જઈ મહાવીરના ગળામાં ડંખ માર્યો. બધા જ પ્રયત્નો વિફળ રહ્યા. હવે તે થાકી ગયો હતો. હતાશ થઈને ચંડકૌશિક સાપ થોડેક દૂર જઈ ભગવાન મહાવીરની સામે જ બેસી ગયો.
મહાવીરની ધ્યાન- પ્રતિભા સમાપ્ત થઈ. તેમણે આંખો ખોલી. સામે પોતાની વિશાળ કાયાને સમેટીને બેઠેલા ચંડકૌશિક સાપને જોયો. ભગવાન મહાવીરે પ્રશાંત અને મૈત્રીપૂર્ણ દૃષ્ટિ તેની તરફ નાંખી. ભગવાનની એ દૃષ્ટિથી વિષ વિલય પામ્યું. ચંડકૌશિક સાપના રોમરોમમાં શાંતિ અને અમૃત વ્યાપી ગયા.
ભગવાન મહાવીરની અહિંસાની પ્રતિષ્ઠા અને મૈત્રીનો આ વિજય હતો.
ભગવાન મહાવીરે લોકોને એ વાત શીખવી કે, ભય, ભયને ઉત્પન્ન કરે છે, અને અભય, અભયને. અદૃશ્યની ઉત્પત્તિનો જૈવિક સિદ્ધાંત મનુષ્યની માનસિક વૃત્તિઓ પર નિર્ભર છે. મહાવીરના અભયે પ્રકૃતિની રુદ્રતાથી ભયભીત યાત્રીઓમાં અભયનો સંચાર કર્યો. મહાવીરની અભય મુદ્રા નિહાળીને ચંડકૌશિક સાપ પણ શાંત થઈ ગયો.

સામેવાળો માણસ ગમે તેટલો ક્રોધ કરે પરંતુ માનવી તેનો પ્રતિકાર કરવાને બદલે અભય થઈ ધ્યાનસ્થ બની જાય તો શત્રુ પણ મિત્ર બની જાય.