Wednesday, April 10, 2013

નવ દેવીને ભજવાનો અવસર ચૈત્રી નવરાત્રિ


કવર સ્ટોરી - સુખદેવ આચાર્ય
ચૈત્રી નવરાત્રિમાં જગતજનની મા ભગવતી નું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. પ્રત્યેક નર-નારી કે જેઓ દેવીમાં આસ્થા ધરાવે છે તેઓ કોઈ ને કોઈ રીતે દેવીની ઉપાસના કરે છે, ભલે પછી તેનું સ્વરૂપ અલગ-અલગ હોય. જેમકે, વ્રત રાખે, મંત્ર-જાપ કરે, અનુષ્ઠાન કરે અથવા પોતાની શ્રદ્ધા-ભક્તિ અનુસાર કર્મ કરતા રહે. આસો અને ચૈત્રી એમ બન્ને નવરાત્રિની લોકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આસો માસની નવરાત્રિમાં ઘટસ્થાપન કરવામાં આવે છે અને ગરબા પણ રમવામાં આવે છે, જ્યારે ચૈત્રી નવરાત્રિમાં ઘટસ્થાપન કરીને નવ દિવસ સુધી દેવીની ઉપાસના કરવામાં આવે છે.
ચૈત્રી નવરાત્રિમાં મોટાભાગનાં ઘરોમાં દેવીની પ્રતિમા અને ઘટસ્થાપન કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસથી નવ વર્ષની બેલા શરૂ થાય છે. આ નવરાત્રિ અનુષ્ઠાન, હવન, ઉપાસના વગેરે માટેનું ઉત્તમ પર્વ છે. દરેક જણ મા શક્તિ પોતાનાં દુઃખ અને કષ્ટ દૂર કરે તે માટે શ્રદ્ધાપૂર્વક દૈવી સાધના કરે છે. કોઈ પોતાના શત્રુથી છુટકારો મેળવવા માટે મા બગલામુખીના જાપ-હવન કરે છે, કોઈ મહાકાળીની ઉપાસના કરે છે, તો કોઈ નવદુર્ગાની ઉપાસના કરે છે. ગમે તે સ્વરૂપ હોય, પરંતુ ઉપાસના તો શક્તિની જ થાય છે.
ચૈત્રી નવરાત્રિનું ઉત્તર ભારતમાં વિશેષ મહત્ત્વ છે. ઉત્તર ભારતમાં શક્તિપીઠોમાં ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસથી માતાની આરાધના શરૂ થાય છે. રામાયણ અને રામચરિત માનસનો પાઠ થાય છે. દસ દિવસ સુધી શાકાહાર, સદ્ આચરણ અને બ્રહ્મચર્ય સહિતના નિયમોનું પાલન કરવામાં આવે છે. નોમના દિવસે રામ જન્મનો ઉત્સવ મનાવવામાં આવે છે. ઉત્તર ભારતમાં નવરાત્રિ દરમિયાન મેળાઓ પણ ભરાય છે. દક્ષિણ ભારતમાં પ્રથમ દિવસે વિશેષ પૂજા થાય છે. આંબાનાં પાન અને નાળિયેરથી સજાવેલો કળશ દરવાજે
રાખવામાં આવે છે. નવમીના દિવસે રામમંદિરોમાં ભક્તોનું કીડિયારું ઊભરાય છે અને ત્યાં ભક્તોને વિશેષ પ્રસાદ વહેંચાય છે.
દક્ષિણ ભારતમાં ચૈત્રી નવરાત્રિને યુગાદી તરીકે ઓળખવામાં આવે છે. આ નામ પરથી જ ખ્યાલ આવે છે કે આ દિવસે સંસારનો આરંભ થયો હશે. એવી માન્યતા પણ છે કે ચૈત્ર માસના સુદ પક્ષના પ્રથમ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચનાનો આરંભ કર્યો હતો.
તહેવાર હોય એટલે તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાનગીઓ પણ હોય. તે જ રીતે ચૈત્રી નવરાત્રિની કેટલીક વિશેષ વાનગીઓ છે. ઉત્તર ભારતમાં નવ દિવસ સુધી સંપૂર્ણ શાકાહાર અને ઉપવાસ કરવામાં આવે છે. ત્યારબાદ નવમા અને દસમા દિવસે વિશેષ વાનગીઓ જેમ કે, ખીર-પૂરી, મીઠાઈઓ વગેરે બનાવવામાં આવે છે.
આંધ્ર પ્રદેશમાં કાચી કેરીમાંથી બનાવેલી વાનગી 'પુલિહોરા' અને 'બોબ્બત્લૂ' બનાવવામાં આવે છે. કર્ણાટકમાં પણ આ જ વાનગીઓ બનાવવામાં આવે છે, પરંતુ તેને અહીં 'પુલીઓગેરે' અને 'હોલીગે' કહેવામાં આવે છે. મહારાષ્ટ્રમાં મરાઠી લોકો'પૂરણપોળી' બનાવે છે, જે ત્યાંની મુખ્ય વાનગી છે.
 નવદુર્ગાનાં નવ સ્વરૂપનું પૂજન અને ફળ
ચૈત્રી નવરાત્રિના નવ દિવસ સુધી આદ્યશક્તિનાં વિવિધ નવ સ્વરૂપોનું પૂજન-આરાધના કરવામાં આવે છે. દેવીના પૂજનથી ખૂબ જ શુભ ફળ મળે છે, પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ પ્રકારનાં ફળની ઇચ્છા વગર જ દેવીની ઉપાસના કરવી જોઈએ. નવરાત્રિના પ્રથમ દિવસે શૈલપુત્રીની પૂજા કરવાથી ભક્ત હંમેશાં ધન-ધાન્યથી પરિપૂર્ણ રહે છે. બીજા દિવસે બ્રહ્મચારિણીની પૂજા કરવાથી સાધકને અનંતકોટિ ફળ મળે છે. ત્રીજા દિવસે ચંદ્રઘંટાની પૂજા કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે. સાધકના વીરતાના ગુણોમાં વૃદ્ધિ થાય છે. ચોથા દિવસે કુષ્માંડાની પૂજા કરવાથી સાધકના રોગ-શોક દૂર થાય છે અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. પાંચમા દિવસે સ્કંદમાતાનું પૂજન કરવાથી ભક્તની ઇચ્છાર્પૂિત થાય છે તથા શત્રુઓનું શમન થાય છે. છઠ્ઠા દિવસે કાત્યાયનીની પૂજા કરવાથી ભક્તમાં શક્તિનો સંચાર થાય છે. સાતમા દિવસે કાલરાત્રિનું પૂજન કરવાથી ભક્તના દુશ્મનોનો નાશ થાય છે તથા તેજમાં વૃદ્ધિ થાય છે. આઠમા દિવસે મહાગૌરીનું પૂજન કરવાથી પાપોનો નાશ થાય છે અને નિરંતર સુખમાં વૃદ્ધિ થાય છે. નવમા દિવસે સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી માની અસીમ કૃપા ભક્ત પર વરસે છે.
 ચૈત્રી નવરાત્રિ પાછળના વિવિધ દૃષ્ટિકોણ
વિદ્વાનોના મતે ચૈત્ર માસના વદ પક્ષની સમાપ્તિની સાથે ભૂલોકના પરિવેશ (વાતાવરણ)માં એક વિશેષ પરિવર્તન જોવા મળે છે. આ દરમિયાન ઋતુઓના પરિવર્તનની સાથે નવરાત્રિનો તહેવાર મનુષ્યના જીવનમાં બાહ્ય અને આંતરિક પરિવર્તનમાં એક વિશેષ સંતુલન સ્થાપવામાં મદદરૂપ બને છે. જે રીતે બાહ્ય જગતમાં પરિવર્તન થાય છે તે જ રીતે મનુષ્યના શરીરમાં પણ પરિવર્તન થાય છે, તેથી નવરાત્રિના ઉત્સવના આયોજનનો ઉદ્દેશ એ હોય છે કે મનુષ્યની અંદર યોગ્ય પરિવર્તન કરીને તેને બાહ્ય પરિવર્તનને અનુકૂળ બનાવી સ્વયં અને પ્રકૃતિ વચ્ચે સંતુલન જાળવી રાખવાનું છે.
વર્ષના તમામ દિવસ દેવી સાધના કે ઉપાસના માટે શ્રેષ્ઠ જ હોય છે. માને ભજવા માટે કોઈ મુહૂર્તની જરૂર નથી હોતી, પરંતુ નવરાત્રિ એ એક એવો સમય છે જ્યારે સામાન્ય દિવસોમાં પૂજા-આરતી ન કરતી વ્યક્તિને પણ માના ગુણગાન ગાવાની તક સાંપડે છે અને તે યથાશક્તિ માની ઉપાસના કરી શકે છે. વર્ષમાં બે મુખ્ય નવરાત્રિ આવે છે, જેમાંથી એક છે આસો માસની નવરાત્રિ, જેને શારદીય નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે અને ચૈત્રી નવરાત્રિ જે સાધના-ઉપાસના માટે સર્વશ્રેષ્ઠ ગણાય છે
નવરાત્રિ દરમિયાન કરવામાં આવતી પૂજા-અર્ચના, વ્રત-ઉપાસના વગેરે દ્વારા પર્યાવરણની શુદ્ધિ થાય છે. સાથે-સાથે મનુષ્યના શરીર અને ભાવનાની પણ શુદ્ધિ થાય છે, કારણ કે વ્રત-ઉપવાસ શરીરને શુદ્ધ કરવાની પારંપરિક રીત છે. આ જ કારણ છે કે વિશ્વના તમામ મુખ્ય ધર્મોમાં વ્રત-ઉપવાસનું વિશેષ મહત્ત્વ છે. હિન્દુ સંસ્કૃતિમાં યુગો-યુગોથી નવરાત્રિ દરમિયાન વ્રત કરવાનું વિધાન છે. વ્રતના માધ્યમથી સૌ પ્રથમ મનુષ્યનું શરીર શુદ્ધ થાય છે. શરીર શુદ્ધ હોય તો મન અને ભાવનાઓ પણ શુદ્ધ થાય છે. શરીર શુદ્ધિ વગર મન તથા ભાવની શુદ્ધિ શક્ય નથી. ચૈત્રી નવરાત્રિ દરમિયાન બધા જ પ્રકારનાં વ્રત-ઉપવાસ શરીર અને મનની શુદ્ધિમાં મદદરૂપ બને છે.
નવરાત્રિમાં કરવામાં આવેલાં વ્રત-ઉપવાસની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર થાય છે. ઉપવાસથી સ્વાસ્થ્ય સુધરે છે અને રોગકોષો દૂર રહે છે. આ સિવાય ધૂમધામપૂર્વક નવરાત્રિ મનાવવાથી આપણને સુખાનુભૂતિ તથા આનંદાનુભૂતિ પણ થાય છે.
મનુષ્યના આનંદની અવસ્થા જ સૌથી ઉત્તમ અવસ્થા હોય છે. જ્યારે વ્યક્તિ આનંદની અવસ્થામાં હોય છે ત્યારે તેના શરીરમાં તણાવ ઉત્પન્ન કરનારા સૂક્ષ્મ કોષ સમાપ્ત થઈ જાય છે, જે આપણા શરીર માટે લાભદાયક છે તથા નવી વ્યાધિઓથી બચાવવાની સાથે રોગ થયો હોય તો શીઘ્ર રોગમુક્ત કરે છે.
દેવી ભાગવતના આઠમા સ્કંધમાં દેવી ઉપાસનાનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. દેવીનું પૂજન, અર્ચન, ઉપાસના, સાધના કરવાથી તથા ભોગ ધરાવવા અને દાન કરવાથી આ લોક અને પરલોક બંને સુખ આપનારા બને છે.
પ્રતિપદા (એકમ): આ દિવસે દેવીનું ષોડશોપચારે પૂજન કરીને નૈવેદ્ય તરીકે દેવીને ગાયનું ઘી અર્પણ કરવું જોઈએ. માનાં ચરણોમાં ધરાવેલું ઘી પછીથી બ્રાહ્મણોને વહેંચી દેવાથી વિવિધ પ્રકારના રોગમાંથી મુક્તિ મળે છે.
બીજ -  આ દિવસે દેવીને ખાંડનો ભોગ ધરાવવો જોઈએ અને ત્યારબાદ તેનું દાન કરી દેવું જોઈએ. ખાંડનો ભોગ ધરાવવાથી વ્યક્તિ દીર્ઘજીવી બને છે.
ત્રીજ - આ દિવસે દેવીને દૂધનો ભોગ ધરાવવો જોઈએ. પછી તેનું ગરીબ વ્યક્તિ કે બ્રાહ્મણને દાન કરી દેવું જોઈએ. દેવીને દૂધનો ભોગ ધરાવવાથી વ્યક્તિનાં સમસ્ત દુઃખો દૂર થાય છે.
ચોથ - આ દિવસે દેવીને માલપૂઆનો ભોગ ધરાવીને તેનું દાન કરવું જોઈએ. માલપૂઆનો ભોગ ધરાવવાથી વ્યક્તિની તમામ પ્રકારની વિપત્તિઓનો નાશ થાય છે.
પાંચમ -  આ દિવસે દેવીને કેળાંનો ભોગ ધરાવવો જોઈએ. ત્યારબાદ તેનું ગરીબ વ્યક્તિ કે બ્રાહ્મણને દાન કરવું જોઈએ. દેવીને કેળાંનો ભોગ ધરાવવાથી વ્યક્તિની બુદ્ધિ, વિવેકનો વિકાસ થાય છે. વ્યક્તિના પારિવારિક સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
છઠ્ઠ -  આ દિવસે દેવીને મધુ (મધ)નો ભોગ ધરાવીને તેનું ગરીબ વ્યક્તિ કે બ્રાહ્મણને દાન કરવું જોઈએ. મધુનો ભોગ ધરાવવાથી વ્યક્તિને સુંદર સ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
સાતમ -  આ દિવસે દેવીને ગોળનો ભોગ ધરાવવો જોઈએ. ત્યારબાદ તેનું યોગ્ય પાત્રને દાન કરવું જોઈએ. ગોળનો ભોગ ધરાવવાથી વ્યક્તિના સમસ્ત શોક દૂર થાય છે.
આઠમ -  આ દિવસે દેવીને શ્રીફળ (નાળિયેર)નો ભોગ ધરાવીને તેનું દાન કરવું જોઈએ. શ્રીફળનો ભોગ ધરાવવાથી વ્યક્તિના સંતાપ દૂર થાય છે.
નોમ -  આ દિવસે દેવીને વિવિધ પ્રકારનાં ધાન્યમાંથી બનાવેલી વાનગીઓનો ભોગ ધરાવવો જોઈએ. ત્યારબાદ તેનું બ્રાહ્મણ અથવા ગરીબ વ્યક્તિને દાન કરવું જોઈએ. દેવીને વિવિધ ધાન્યોની વાનગીઓનો ભોગ ધરાવવાથી વ્યક્તિના આ લોક અને પરલોક સુધરે છે.

Thursday, April 4, 2013

તિબેટિયન ર્મૂતિકાર રશિયામાં સૌથી ઊંચી બૌદ્ધ પ્રતિમા બનાવશે


મોસ્કો, 4 એપ્રિલ
સિંહાસન પર બેઠેલા બૌદ્ધની ૧૫ મીટર ઊંચી પ્રતિમા લાખો ડોલર દાનથી બનાવાઈ રહી છે
રશિયાના તુવા પ્રાંતમાં તિબેટના ર્મૂતિકાર બૌદ્ધની પ્રતિમા બનાવી રહ્યા છે, જે દેશની સૌથી ઊંચી બૌદ્ધ પ્રતિમા હશે. તુવા બૌદ્ધિસ્ટ યુનિયનના અધ્યક્ષ બુઆન બસ્કાઈના જણાવ્યાનુસાર આ પ્રતિમામાં બૌદ્ધ ભગવાન સિંહાસન પર બેઠેલા બતાવવામાં આવશે. પ્રતિમાને બૌદ્ધ ગણરાજ્યની રાજધાની કાઇજિલમાં ડોગી માઉન્ટેન પર સ્થાપવામાં આવશે. તુવાની વસતી ૩,૧૯,૦૦૦ વસતી છે,તેમાંથી ૫૩ ટકા લોકો બૌદ્ધિસ્ટ છે. ૨૦૧૧થી છ મીટર ઊંચા સિંહાસનનું ચાલી રહ્યું છે અને હવે બૌદ્ધ પ્રતિમા બન્યા બાદ તેની ઊંચાઈ લગભગ ૧૫ મીટર સુધીની થઈ જશે. આ પ્રતિમાના નિર્માણનો ખર્ચ અંદાજે ૩,૮૩,૦૦૦ લાખ ડોલરથી ૪,૧૫,૦૦૦ લાખ ડોલર છે, જોકે દાનમાં મળનારા રૃપિયાથી જ પ્રતિમા તૈયાર કરવામાં આવી રહી છે.
હાલ પશ્ચિમ રશિયાના કાલ્માઇકીના ઇલિસ્ટામાં બૌદ્ધની સૌથી ઊંચી પ્રતિમા છે. તેની ઊંચાઈ ૧૦ મીટર છે. આ પ્રતિમા યુરોપમાં સ્થિત બૌદ્ધની પ્રતિમાઓમાંથી સૌથી ઊંચી છે. વિશ્વનું સૌથી ઊંચું બૌદ્ધ સ્મારક ચીનના હેનાન પ્રાંત સ્થિત સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધામાં મૂકવામાં આવેલું છે. તેની ઊંચાઈ ૧૫૩ મીટર છે.