Sunday, February 9, 2014

રાજા કેવો હોવો જોઇએ?

 
 
રેડ રોઝ - દેવેન્દ્ર પટેલ
 
ભગવાન બુદ્ધે શાસકો માટે કયાં દસ કર્તવ્યો બતાવ્યાં છે?
 
ગુજરાતના અને દેશના હજારો દલિત પરિવારો હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અંગિકાર કરી રહ્યા છે ત્યારે ભગવાન બુદ્ધના દર્શાવેલ પથ પરની શાસન પ્રણાલી કેવી હોવી જોઈએ તેની પર અહીં એક દૃષ્ટિપાત છે. દેશ અને દુનિયાની રાજનીતિ અનેક પક્ષો, અનેક વિચારધારાઓ અને અનેક પ્રકારોમાં વહેંચાયેલી છે. જ્યાં લોકશાહી છે ત્યાં ભીતરથી ભ્રષ્ટાચાર અને છૂપી સરમુખત્યારશાહી પણ છે. પ્રજા જ્ઞાતિવાદ અને કોમવાદની વચ્ચે વહેંચાયેલી પણ છે. લોકશાહીના નામે અરાજકતા પણ પગપેસારો કરી રહી છે. જ્યાં ધર્મ આધારિત રાષ્ટ્રો છે ત્યાં ઓછામાં ઓછી હિંસા છે તો બીજી બાજુ બિનસાંપ્રદાયિકતાને વરેલાં રાષ્ટ્રોમાં વધુ ને વધુ કોમી હિંસાની આગ ફેલાયેલી છે. આ દેશના રાષ્ટ્રધ્વજમાં અશોકચક્રને સ્થાન આપવામાં આવેલું છે તે સમ્રાટ અશોકને આજે પણ એક આદર્શ રાજા માનવામાં આવે છે. સમ્રાટ અશોકની રાજનીતિમાં પરિવર્તન આણનારા તેમના ધર્મગુરુ ભગવાન બુદ્ધ હતા. આજના રાજકારણીઓ ભારતના મહાન રાજા સમ્રાટ અશોક અને ભગવાન બુદ્ધ એ બેઉની વિચારધારાને ભૂલી સત્તા પ્રાપ્ત કરવા માટે તમામ નીતિ-નિયમોને વેગળે મૂકી રહ્યા છે ત્યારે ભગવાન બુદ્ધે પ્રજાતંત્ર અને તેના શાસકો કેવા હોવા જોઈએ, તેનું વિસ્તૃત માર્ગદર્શન આપેલું છે. એ યાદ રહે કે ભગવાન બુદ્ધે કરોડો લોકોને ઉપદેશ આપ્યો હતો, તેમાં યશ કુળના પુત્ર, કાશ્યપ બંધુઓ, સારિપુત્ર, મોદગલ્યાયન, મગધના રાજા બિંબીસાર, અનાથ પિંણ્ડક, રાજા પ્રસેનજિત, જીવક અને રટ્ટપાલ વગેરે હતા. તેમની પાસે દીક્ષા લેવાવાળાઓમાં તેમના પિતા અને કપિલવસ્તુના રાજા શુદ્ધોધન, માતા મહાપ્રજાપતિ યશોધરા, પત્ની યશોધરા અને પુત્ર રાહુલ પણ હતાં.
ભગવાન બુદ્ધે પ્રજાતાંત્રિક મૂલ્યોને બહુ જ મહત્ત્વ આપ્યું હતું. વિભિન્ન રાજ્યોના રાજાઓને તેમણે સલાહ આપી હતી કે કામકાજ નિશ્ચિત કાનૂન અને નિયમો પ્રમાણે જ ચલાવવું જોઈએ. કાનૂન બદલવા હોય તો જનપ્રતિનિધિ સભા (સંસદ કે વિધાનસભા)માં ચર્ચા કરી ત્યાં જ તેની મંજૂરી લેવી જોઈએ. નોંધપાત્ર વાત એ છે કે ઇંગ્લેન્ડમાં પ્રજાતંત્ર આવવાનાં બે હજાર વર્ષ પૂર્વે ભગવાન બુદ્ધે આ વાત કહી હતી અને ભિક્ષુ અને ભિક્ષુણીઓમાં સંઘમાં પ્રજાતંત્રની પ્રણાલીનો અમલ કરાવ્યો હતો.
તેમણે કહ્યું હતું : રાજનીતિજ્ઞો અને શાસકોએ સ્વયં ઉદાહરણ બનવું જોઈએ. વિલાસિતાપૂર્વક જીવન જીવશો નહીં, કારણ કે ધન-સંપત્તિ જ તમારા અને પ્રજાજીવન વચ્ચે એક ખાઈ ઊભી કરશે. શાસકો સાદું અને સર્વાંગ જીવન જીવે અને પોતાનો સમય સેવાઓમાં લગાવે, નહીં કે ભોગ અને વિલાસ માટે.નેતા સ્વયં ઉદાહરણરૂપ નહીં બને તો લોકોનો પ્રેમ અને સન્માન કેવી રીતે પ્રાપ્ત કરશે? સુશાસન દંડ પર આધારિત નથી હોતું. સાચી પ્રસન્નતા, આનંદ, દયાભાવથી જ સુંદર શાસન શક્ય છે.
શ્રાવસ્તીમાં કોસલનરેશને ઉપદેશ આપતાં ભગવાન બુદ્ધે કહ્યું હતું : રાજ્યની અર્થવ્યવસ્થા અને ન્યાયપ્રણાલી સુધારો. સજા કરવાથી કે દંડ કરવાથી કે જેલમાં રાખવાથી અપરાધો પર કાબૂ નહીં આવે. અપરાધ અને હિંસા ભૂખ અને ગરીબીમાંથી જન્મે છે. ખેડૂતોને ભોજન, બિયારણ અને ખાતર પર ત્યાં સુધી સહાયતા કરો જ્યાં સુધી તેઓ આત્મનિર્ભર ન થઈ જાય. નાના વેપારીઓને મૂડી ઉધાર આપો. સરકારી કર્મચારીઓને પર્યાપ્ત વેતન આપો. લોકો બેકાર ન બને તેનું ધ્યાન રાખો. લોકોને પોતાનો વ્યવસાય કે ધંધો પસંદ કરવાનો અધિકાર અને તક આપો. તેમને કૌશલ્ય મળે તેવો બંદોબસ્ત કરો. જ્યારે લોકો પોતાના કામધંધે લાગી જશે ત્યારે કોઈ એકબીજાને પરેશાન કરશે નહીં. એમ થવાથી અર્થવ્યવસ્થા સુધરશે. રાજ્યની આવક વધશે અને રાજ્યની જનતામાં સુખ-શાંતિ અને ખુશી આવશે. લોકો બાળકોને પોતાના ખોળામાં લઈને ખુશીથી નાચશે, ગાશે અને દરવાજા ખુલ્લા રાખી ઊંઘી જશે.
અમ્બાલથ્થિકમાં બ્રહ્મજાલ સુત્તનો ઉપદેશ આપતાં તેમણે કહ્યું : ભિખ્ખુઓ, જ્યારે પણ તમે મારી કે સદ્ધર્મ માર્ગની આલોચના સાંભળો ત્યારે તેની પર ક્રોધ કરશો નહીં, પરેશાન થશો નહીં. એવી ભાવનાઓથી તમને જ હાનિ પહોંચશે. કોઈ મારી કે મારા સદ્માર્ગની પ્રશંસા કરે ત્યારે પણ પ્રસન્ન, હર્ષિત કે સંતોષની ભાવના મનમાં લાવશો નહીં. આ સંબંધમાં સાચો રસ્તો એ હશે કે આલોચનામાં કેટલું સત્ય છે અને કેટલું અસત્ય, તેનું વિશ્લેષણ કરવાથી જ તમે તમારા અધ્યયનમાં પ્રગતિ કરી શકશો. આ સંસારમાં અગણિત દર્શન, સિદ્ધાંત અને મત છે. લોકો અનંત સમય સુધી તેની પર આલોચના-પ્રત્યાલોચના કરતા રહેશે, પરંતુ હું એનો જે સાર સમજ્યો છું તે અનુસાર મુખ્ય ૬૨ સિદ્ધાંતો છે, જેમાં હજારો દર્શન અને ધાર્મિક મતમતાંતરોને સમાવિષ્ટ કરી શકાય છે. ચેતના, જાગૃતિ અને આત્મમુક્તિના માર્ગ પ્રમાણે આ બધા જ સિદ્ધાંતોમાં ત્રુટિઓ છે અને તેમાં કેટલીક મુશ્કેલીઓ પેદા થઈ શકે છે.

No comments:

Post a Comment