Thursday, September 27, 2012

બુદ્ધ ભગવાનના મૌનનું માહાત્મ્ય


જ્ઞાનગંગા - સુખદેવ આચાર્ય
સામાન્ય રીતે મૌનનું આધ્યાત્મિક જગતમાં ઘણું મહત્ત્વ છે. મૌનથી આંતરિક શક્તિનો વિકાસ થાય છે. આત્મિક પ્રગતિ માટે અને માનસિક શાંતિ માટે પણ મૌનનો મહિમા અનેરો છે. એટલે જ બુદ્ધ ભગવાને જ્ઞાન પ્રાપ્ત થયા બાદ મૌન ધારણ કરી લીધું હતું. શું હતું તેમના મૌનનું રહસ્ય જાણીએ.
બુદ્ધ ભગવાનને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું પછી લગભગ તે એક અઠવાડિયા સુધી મૌન રહ્યા હતા. તેઓ એક શબ્દ પણ નહોતા બોલ્યા. ગૌતમ બુદ્ધનું મૌન ધારણ કરવા પાછળનું એક કારણ હતું. તેઓ જ્ઞાનને આત્મસાત્ કરી રહ્યા હતા અને તેમને એવી અનુભૂતિ થતી હતી કે જાણે બધું જ મેળવી લીધું અને પછી કંઈ પ્રાપ્ત કરવાનું બાકી નથી રહ્યું. આ જ આનંદમાં તે નિઃશબ્દ બની ગયા હતા. એક અઠવાડિયા સુધી જ્યારે તે કંઈ જ બોલ્યા નહીં ત્યારે દેવી-દેવતાઓએ તેમને જ્ઞાનવાણી કહેવા વિનવણી કરી હતી. પૌરાણિક કથા મુજબ બધાં જ દેવી-દેવતાઓએ તેમને ખૂબ જ પ્રાર્થના કરી ત્યારે મૌન સમાપ્ત થતાં તે બોલ્યા કે, 'જે જાણે છે તે મારા કહેતા પહેલાં પણ જાણે છે અને જે નથી જાણતા તે મારા કહેવાથી પણ નહીં જાણે. જેમણે જીવનનું અમૃત નથી ચાખ્યું, તેમની સાથે વાત કરવી વ્યર્થ છે, તેથી જ મેં મૌન ધારણ કર્યું હતું. આ અનુભૂતિ જાણે વધુ આત્મીય બની ગઈ છે અને જે વધુ આત્મીય અને વ્યક્તિગત હોય તેને કેવી રીતે વ્યક્ત કરી શકાય.
આ બાબતે દેવતાઓએ કહ્યું કે, 'તમે જે કહી રહ્યા છો તે સત્ય છે, પણ લોકકલ્યાણ હેતુ જ્ઞાનનો પ્રચાર પ્રસાર પણ થવો જોઈએ. જે લોકો કંઈ જ નથી જાણતા, તેમને પણ આત્મકલ્યાણ કરી જીવનને યથાર્થ કરવાનો માર્ગ મળવો જોઈએ. તેના વિશે વિચારો જેને પૂરી રીતે જ્ઞાન નથી થયું અને એ અજ્ઞાનના અંધારામાં જ જીવન પસાર કરી રહ્યા છે. તેમના માટે તમારા થોડા શબ્દો પણ પ્રેરણાદાયી હશે. બની શકે કે જ્ઞાન અને મૌન પછીની વાણી અનેક લોકોના જીવનને અજવાળી દે. તમારી જેમ અન્ય લોકોને પણ જ્ઞાનામૃતની અનુભૂતિ કરવાનો અવસર પ્રાપ્ત થાય. તમારા દ્વારા બોલાયેલા શબ્દો જ મૌનનું સર્જન કરશે.'આ રીતે દેવતાઓએ બુદ્ધના જ્ઞાનને લોકો માટે સુલભ બનાવવા તેમનું મૌન તોડાવ્યું હતું, પણ તેમના મૌનનું એક આધ્યાત્મિક મહત્ત્વ હતું અને તેમાં એક આત્મિક આનંદ હતો, જેનું વર્ણન પણ બુદ્ધ ભગવાને મૌન તોડયા બાદ કર્યું છે.
 બુદ્ધ મૌનની પ્રતિમૂર્તિ છે. મૌન જીવનનો સ્ત્રોત છે. જ્યારે લોકો ક્રોધિત થાય છે તો તે પહેલાં બૂમ બરાડા પાડે છે પછી મૌન થઈ જાય છે. જ્યારે દુઃખ પડે છે ત્યારે પણ મન મૌનની શરણમાં જાય છે. જ્યાં જ્ઞાન થઈ જાય ત્યાં પણ મૌન જ હોય છે. બધું જ મેળવી લીધા બાદ એવી તૃપ્તિની અનુભૂતિ થાય છે કે કંઈ જ કહેવાનું શેષ નથી રહેતું. શરૂઆતથી બુદ્ધે સંતુષ્ટ જીવનનો નિર્વાહ કર્યો છે. દરેક પ્રકારની સુખ-સુવિધા અને ઋતુ પ્રમાણેના અલગ અલગ મહેલ તેમની પાસે હતા. એક દિવસ તેમને થયું કે મારે બહાર જઈને જોવું છે કે દુનિયા શું છે અને તેમણે દુઃખી, વૃદ્ધ અને બીમાર માણસને જોયો. જીવન વિષે વિચારવાનું શરૂ કર્યું. આ દૃશ્ય તેમને જ્ઞાન આપવા માટે પર્યાપ્ત હતું કે જીવનમાં દુઃખ છે. બુદ્ધ ભગવાન આ દુઃખમાંથી માર્ગ શોધવા માટે એકલા જ સત્યની શોધ માટે નીકળી ગયા. આ ઘટના બાદ તે જીવનનાં ચાર સત્યો જાણી શક્યાં.
પહેલું સત્ય એ કે દુનિયામાં દુઃખ છે. જીવનમાં માત્ર બે સંભાવનાઓ છે, એક તો એ કે ચારે બાજુનાં દુઃખને જાઈને સમજી જવું અને બીજું એ કે ખુદ તેનો અનુભવ કરીને સમજવું કે સંસારમાં દુઃખ છે અને તેના માટે કોઈ કારણ હોય છે. તમે કોઈ કારણ વગર સુખી રહી શકો છો, પણ દુઃખનું કોઈ કારણ તો હોય જ છે અને ત્રીજું મહત્ત્વપૂર્ણ એ છે કે દુઃખનું નિવારણ સંભવ છે અને તેનાથી બહાર નીકળવાનો પણ એક રસ્તો છે. આ રીતે ભગવાન બુદ્ધે સત્યને શોધ્યું અને પછી કંઈ જ કહેવાનું વિશેષ ન રહેતું હોવાથી તે મૌન થઈ ગયા અને આત્માનુભૂતિમાં લીન થઈ ગયા. મૌન જ દુઃખ, દર્દ અને જીવનની મુશ્કેલીઓનો અંત અને અખંડ આનંદનો ઉદય છે. મૌનથી જ શાંતિ, કરુણા, પ્રેમ, મિત્રતા અને આનંદની પ્રાપ્તિ થાય છે. દુઃખને મૌન ઓગાળે છે અને આનંદ સાથે આત્મિક પ્રેમને જન્મ આપે છે, જે પ્રેમ અને આનંદ ક્યારેય દુઃખમાં પરિર્વિતત થતા નથી.   

No comments:

Post a Comment