| To download a 'PDF' file, right click on the relevant link and select the 'Save as Target' option. |
Friday, November 22, 2013
eBooks, Articles on Hinduism
|
|
| To download a 'PDF' file, right click on the relevant link and select the 'Save as Target' option. |
Sunday, September 8, 2013
ભગવાન મહાવીર
ક્રોધનો પ્રતિકાર કરવાના બદલે અભય થઈ ધ્યાનસ્થ બની જાવ
ભગવાન મહાવીરના ગૃહત્યાગ બાદ શરૂઆતનાં વર્ષોની આ વાત છે. સાધનાના બીજા વર્ષનો એ પહેલો મહિનો હતો. ભગવાન મહાવીર દક્ષિણ વાચાલાથી ઉત્તર વાચાલા તરફ જઈ રહ્યા હતા. બંને સન્નિવેશોની વચ્ચે બે નદીઓ વહી રહી હતી. એક નદીનું નામ સુવર્ણબાલુકા અને બીજી નદીનું નામ રૂપ્ય બાલુકા. સુવર્ણબાલુકા નદીના કિનારે કાંટાળી ઝાડી હતી. મહાવીર તેની પાસેથી પસાર થઈ રહ્યા હતા.ચાલતા ચાલતા અચાનક તેમનાં શરીર પરનું વસ્ત્ર કાંટામાં ફસાઈ ગયું છતાં મહાવીર અટક્યા નહીં. તેમના શરીર પરનું વસ્ત્ર નીચે પડી ગયું. ભગવાન મહાવીરે તેની પર એક દૃષ્ટિ નાંખી અને તેમણે ચરણ ઊપાડયા. મહાવીર પાસે હવે પોતાનું કાંઈ છે તેવું દર્શાવવા માટે માત્ર શરીર જ હતું. વાસ્તવમાં એ એમનું ચૈતન્ય હતું. પહેલાં તેમનો શરીર સાથે પ્રેમસંબંધ હતો. હવે વિનિમયનો. તેઓ અધિકાંશ સમય ધ્યાનમાં વીતાવતા હતા. શરીરને જરૂર હોય તેટલું જ પોષણ આપતા હતા તેથી તેમને આવશ્યક શક્તિ મળી રહે.
હવે મહાવીર પાસે કોઈ ઘર નહોતું. કોઈ આશ્રમ નહોતો. તેઓ એકાંત, જંગલ, દેવાલય અને ક્યારેક સ્મશાનમાં પણ રહેતા હતા. સાધનાના પ્રથમ વર્ષમાં તેઓ કોલ્લાક સંન્નિવેશથી મોટાક સંન્નિવેશ પહોંચ્યા. એના બહારના ભાગમાં તપસ્વીઓનો એક આશ્રમ હતો. વિહાર કરતા કરતા તેઓ એ આશ્રમ તરફ ગયા. આશ્રમના વડા કુલપતિ મહાવીરના પિતા સિદ્ધાર્થના મિત્ર હતા. તેઓ ભગવાન મહાવીરને ઓળખી ગયા. તેમણે ભગવાન મહાવીરનું સ્વાગત કર્યું. બેઉએ એકબીજાનું અભિવાદન કર્યું. આશ્રમના કુલપતિએ મહાવીરને એક દિવસ તેમના આશ્રમમાં રોકાઈ જવા વિનંતી કરી. મહાવીર એક દિવસ ત્યાં રોકાયા. બીજા દિવસે તેઓ પ્રસ્થાન કરવાની તૈયારીમાં હતા ત્યારે જ આશ્રના કુલપતિએ કહ્યું: ''મુનિવર ! આ આશ્રમ આપનો જ છે. અત્યારે આપ જઈ રહ્યા છો તેથી હું નહીં રોકું. પરંતુ ચોમાસું ગાળવા માટે આપ અહીં પધારો તેવી મારી હાર્દિક ઈચ્છા છે.''
મહાવીર જતા રહ્યા કેટલાક મહિનાઓ સુધી આસપાસના વિસ્તારમાં ઘૂમ્યા. આશ્રમના કુલપતિની ઈચ્છાને અનુગ્રહિત કરવા તેઓ ચોમાસાના પ્રારંભે જ એ આશ્રમમાં પાછા આવ્યા. મહાવીર આમ તો સ્વતંત્રતાના આગ્રહી હતા અને અલખની ધૂણી ધખાવીને બેઠા હતા. પરંતુ આજે તેઓ એક આશ્રમના કુલપતિના બંધનમાં બંધાઈ ગયા.
કુલપતિએ મહાવીરને ઘાસની બનેલી એક ઝૂંપડીમાં ઉતારો આપ્યો. મહાવીર એ ઝૂંપડીમાં રહેવા લાગ્યા. અહીં તેમનું એક જ કાર્ય હતું- ધ્યાન. ભીતરની ગહેરાઈઓમાં ડૂબકી લગાવી સંસ્કારોની છાયા નીચે ડૂબેલા અસ્તિત્વનો સાક્ષાત્કાર કરવો એ જ એમનું ધ્યેય હતું. તેઓ ધ્યાનમાં એટલા મગ્ન રહેતા કે તેમને પોતાની જાત, પોતાના સ્થાન કે ઝૂંપડી તરફ ધ્યાન આપવાનો સમય જ નહોતો. આશ્રમના એક વહીવટકર્તાને આ ગમ્યું નહીં. એણે મહાવીરને અનુરોધ કર્યોઃ ''આપ આપની ઝૂંપડીની સારસંભાળ રાખો તો સારું.''
સમય વહેતો રહ્યો. હવે વાદળો આકાશમાં મંડરાવા લાગ્યા. વર્ષાનો આરંભ થયો. રીમઝીમ વરસાદ વરસવા લાગ્યો. પ્રકૃતિમાં શીતળતા છવાઈ ગઈ. ચારે બાજુ હરિયાળી ચાદર બીછાઈ ગઈ. આશ્રમની ગાયો પણ હવે અરણ્યમાં ખુલ્લી ચરવા લાગી. ઘાસ હજુ મોટું થયું નહોતું. ધરતી હજુ તો હમણાં જ અંકુરીત થઈ હતી. ભૂખી ગાયો જંગલમાં ખાઈ શકાય એટલું મોટું ઘાસ ના મળતાં ચારાની ખોજમાં આશ્રમની ઝૂંપડીઓ પાસે આવી પહોંચી. બીજા તપસ્વીઓ પોતપોતાની કુટીરોની રક્ષા કરતા હતા. મહાવીર જે ઝૂંપડીમાં રહેતા હતા ત્યાં પણ ગાયો પહોંચી ગઈ. ઝૂંપડીના છાપરા પર ઢાંકવામાં આવેલા ઘાસને ગાયો ખાવા લાગી. મહાવીર તો ધ્યાનમાં લીન હતા. મહાવીરને બહાર શું થાય છે તેની ખબર જ નહોતી. આ વાત આશ્રમના વડા કુલપતિ પાસે પહોંચી. એક તપસ્વીએ કુલપતિને કહ્યું: ''મેં મહાવીરને કહ્યું હતું છતાં તેઓ તેમની ઝૂંપડીની રક્ષા કરતા નથી.
આશ્રમના કુલપતિ ક્રોધે ભરાઈને મહાવીરની પાસે ગયા. તેમણે ઊંચા અવાજે કહ્યું: ''મુનિવર! નિમ્ન સ્તરની ચેતનાવાળું પક્ષી પણ પોતાના માળાની રક્ષા કરે છે. મને આશ્ચર્ય છે કે, આપ એક ક્ષત્રિય હોવા છતાં આશ્રમની રક્ષા માટે ઉદાસીન કેમ છો? શું એવી આશા રાખું કે ફરી મને આવી ફરિયાદ નહીં મળે?''
મહાવીરે શાંત ચિત્તે એટલું જ કહ્યું: 'આપ આશ્વસ્ત રહો. હવે આપને કોઈ ફરિયાદ નહીં મળે.''
આશ્રમના કુલપતિ પ્રસન્ન થઈ પોતાની કુટિયા તરફ ચાલ્યા ગયા.
મહાવીરે વિચાર્યું:''અત્યારે હું તો સત્યની ખોજમાં આવ્યો છું અને તેમાં જ ખોવાયેલો રહું છું. હું મારું ધ્યાન તેમાંથી હટાવીને ઝૂંપડાની રક્ષા માટે કેન્દ્રીત કરું તે સંભવિત નથી. ગાયો મારી ઝૂંપડીનું ઘાસ ખાઈ જાય છે જે બીજા તપસ્વીઓને પ્રીતિકર નહીં હોય. તેથી આ સ્થિતિમાં અહીં રહેવું મારા માટે શ્રેયસ્કર છે શું?''
આ અશ્રેયસની અનુભૂતિ બાદ તેઓ ઊભા થયા. તેમનાં ચરણો ગતિમાન થયાં. તેમણે ચોમાસાના ચાતુર્માસના માત્ર પંદર જ દિવસ આશ્રમમાં વીતાવ્યા. તેઓ ત્યાંથી આગળ વિહાર કરી ગયા. આશ્રમ છોડી દીધો. બાકીનો સમય તેમણે અસ્થિકગ્રામના પાર્ર્શ્વવર્તી શૂલપાણિ યક્ષ મંદિરમાં વિતાવ્યો.
તપસ્વીઓના આશ્રમની એ ઘટનાએ મહાવીરને સ્વતંત્રતા- અભિયાનની દિશામાં કેટલાક નવા આયામ ખોલી દીધા. આશ્રમમાંથી પ્રસ્થાન બાદ એ જ સમયે તેમણે પાંચ સંકલ્પ કર્યા-
(૧) હું અપ્રીતિકર સ્થાનમાં નહીં રહું.
(૨) પ્રાયઃ ધ્યાનમાં જ લીન રહીશ
(૩) પ્રાયઃ મૌન રહીશ
(૪) હાથમાં જ ભોજન કરીશ
(૫) ગૃહસ્થોનું અભિવાદન નહીં કરું.
મહાવીર માટે જાણે કે અંતર્જગતનું પ્રવેશદ્વાર ખૂલી ગયું. લૌકિક માનદંડોનો ભય તેમને જોઈતી હતી તે સ્વતંત્રતાનું હવે બાધક રહ્યું નહીં. હવે શરીર ઉપકરણ અને સંસ્કારોની સુરક્ષા માટે ઊઠવાવાળો ભય ર્નિિવર્ય થઈ ગયો.
કુમાર વર્ધમાન હવે વન-જંગલોમાં વિહાર કરતા રહ્યા. ભયાનક શૂલપાણી યક્ષ મંદિરમાં પણ તેઓ રહ્યા. જંગલોમાં અને નિર્જન સ્થળે તેઓ સાધના કરતા રહ્યા. ભયાનક ઘાટીઓમાં ભૂત-પ્રેત કે જંગલી જાનવરોથી તેઓ ડર્યા નહીં. વિષધર સર્પોથી કે વીંછીઓથી પણ ભયભીત ના થયા. એ ઘાટીઓ પાર કર્યા બાદ એક દિવસ વૈશાખી ર્પૂિણમાના દિવસે તેઓ ધ્યાનમાં બેઠા હતા. તેમને કોઈ અશાંતિનો અનુભવ થયો. એ જ સમયે તેમણે સંકલ્પ કર્યો કે, ''હું આજે બોધિ પ્રાપ્ત કર્યા વિના આસન નહીં છોડું.''જેમ જેમ તેમની એકાગ્રતા વધતી ગઈ તેમ તેમ તેમની સમક્ષ ભયંકર આકૃતિઓ ઉપસતી ગઈ. જંગલી જાનવર, અજગર અને રાક્ષસોએ તેમને ખૂબ કષ્ટ આપ્યું, પરંતુ તેઓ અવિચળ રહ્યા. જરાયે ચલાયમાન થયા નહીં. તેમનું મન શાંત થયું અને તેમને બોધિ પ્રાપ્ત થઈ ગઈ. તેઓ હવે કુમાર વર્ધમાન નહીં, પરંતુ મહાવીરમાં રૂપાંતરિત થઈ ચૂક્યા હતા.
સાધનાના બીજા વર્ષે તેઓ ઉત્તરવાચાલા તરફ જવા નીકળ્યા. રસ્તામાં ગોવાળિયાઓએ એ માર્ગે ના જવા સલાહ આપીઃ ''એ રસ્તે ના જશો ત્યાં ચંડકૌશિક નામનો સાપ રહે છે. તે દૃષ્ટિ વિષ છે. જે માણસ તેની દૃષ્ટિમાં આવી જાય છે તે ભસ્મ થઈ જાય છે.''
મહાવીરનું મન પુલક્તિ થઈ ગયું. તેઓ અભય અને મૈત્રી એ બંનેની કસોટી કરવા માંગતા હતા. તેઓ આગળ વધ્યા. તેઓ એક નિર્જન અને જર્જરિત દેવાલય પાસે પહોંચ્યા. તેનો મંડપ તે ચંડકૌશિક સાપનું ક્રીડાસ્થળ હતું. ભગવાન મહાવીર મંડપની મધ્યમાં જ કાર્યોત્સર્ગની મુદ્રામાં ઊભા રહી ગયા. તેઓ ધ્યાનની ચરમ મુદ્રામાં પ્રવેશ્યા. બ્રાહ્યજગત અને ઈન્દ્રિય સંવેદના સાથેનો તેમનો સંબંધ હવે સમાપ્ત થઈ ચૂક્યો હતો. તેઓ ઈર્ષા, વિષાદ શોક, ભય આદિ માનસિકતાથી તથા ઠંડી, ગરમી, વિષ-શસ્ત્ર જેવાં શારીરિક દુઃખોથી પણ દૂર ચાલ્યા ગયા હતા. થોડી જ વારમાં ચંડકૌશિક સાપ જંગલમાં ફરીને આ મંડપ નીચે આવી પહોંચ્યો. એણે ભગવાન મહાવીરને જોયા. ચંડકૌશિકે પહેલી જ વાર દેવાલયના મંડપમાં એક માનવીને જોયો. એક ક્ષણ તે સ્તબ્ધ થઈ ગયો પરંતુ બીજી જ ક્ષણે તેણે ફેંણ ઉઠાવી. તેની દૃષ્ટિ વિષમય બની ગઈ. ભયંકર ફૂંફાડો મારી એણે મહાવીરને જોયા. ચંડકૌશિક સાપને હતું કે ક્ષણભરમાં આ માણસ ભસ્મ થઈ નીચ પડશે, પણ એણે જોયું તો એ માનવી હજું ત્યાં જ ઊભો હતો. પહેલા ફૂંફાડાની નિષ્ફળતાથી તે વધુ ક્રોધે ભરાયો. થોડુંક પાછા હટીને એણે ફરી ભયંકર વિષ દૃષ્ટિથી મહાવીર તરફ ફૂંફાડો માર્યો. મહાવીર પર તેની કોઈ જ અસર ના થઈ. ત્રીજીવાર વિષ ભરેલી દૃષ્ટિથી ફૂંફાડો માર્યો. કોઈ જ પરિણામ આવ્યું નહીં. મહાવીર હજુ પણ એક પર્વતની જેમ અપ્રકંપ ભાવથી ઊભેલા હતા. ચંડકૌશિકનો ક્રોધ હવે પરાકાષ્ટાએ હતો. એ ચમચમાતી જીભ બહાર કાઢી મહાવીર તરફ ધસ્યો. પોતાનું તમામ વિષ જીભમાં આણી દઈ એણે મહાવીરના ડાબા પગના અંગૂઠા પર ભયંકર ડંખ માર્યો. મહાવીર હજુ સ્થિર હતા. બીજી વાર પગ પર ડંખ માર્યો. ત્રીજી વાર તેમના પગમાં લપેટાઈ જઈ મહાવીરના ગળામાં ડંખ માર્યો. બધા જ પ્રયત્નો વિફળ રહ્યા. હવે તે થાકી ગયો હતો. હતાશ થઈને ચંડકૌશિક સાપ થોડેક દૂર જઈ ભગવાન મહાવીરની સામે જ બેસી ગયો.
મહાવીરની ધ્યાન- પ્રતિભા સમાપ્ત થઈ. તેમણે આંખો ખોલી. સામે પોતાની વિશાળ કાયાને સમેટીને બેઠેલા ચંડકૌશિક સાપને જોયો. ભગવાન મહાવીરે પ્રશાંત અને મૈત્રીપૂર્ણ દૃષ્ટિ તેની તરફ નાંખી. ભગવાનની એ દૃષ્ટિથી વિષ વિલય પામ્યું. ચંડકૌશિક સાપના રોમરોમમાં શાંતિ અને અમૃત વ્યાપી ગયા.
ભગવાન મહાવીરની અહિંસાની પ્રતિષ્ઠા અને મૈત્રીનો આ વિજય હતો.
ભગવાન મહાવીરે લોકોને એ વાત શીખવી કે, ભય, ભયને ઉત્પન્ન કરે છે, અને અભય, અભયને. અદૃશ્યની ઉત્પત્તિનો જૈવિક સિદ્ધાંત મનુષ્યની માનસિક વૃત્તિઓ પર નિર્ભર છે. મહાવીરના અભયે પ્રકૃતિની રુદ્રતાથી ભયભીત યાત્રીઓમાં અભયનો સંચાર કર્યો. મહાવીરની અભય મુદ્રા નિહાળીને ચંડકૌશિક સાપ પણ શાંત થઈ ગયો.
સામેવાળો માણસ ગમે તેટલો ક્રોધ કરે પરંતુ માનવી તેનો પ્રતિકાર કરવાને બદલે અભય થઈ ધ્યાનસ્થ બની જાય તો શત્રુ પણ મિત્ર બની જાય.
Monday, July 29, 2013
Meaning and Power of Gayatri Manatra
Friday, May 10, 2013
હવે કૈલાસ યાત્રા કરવામાં ઓછો સમય લાગશે
તા. ૯
કૈલાસ યાત્રાના જાહેર કરવામાં આવેલા રૂટચાર્ટ અનુસાર આ વખતે કૈલાસ યાત્રા કરવામાં ઓછો સમય લાગશે. ગયા વર્ષે ૨૮ દિવસમાં સમાપ્ત થયેલી યાત્રા આ વખતે ૨૨ દિવસમાં જ સમાપ્ત થઈ જશે એટલે કે છ દિવસ વહેલાં જ યાત્રા પૂરી થશે. યાત્રા ૧૨મી જૂનના રોજ શરૂ થઈ રહી છે. આ યાત્રા માટે ભારત-તિબેટ સીમા પોલીસ (આઈટીબીપી)એ બધી જ તૈયારીઓ પૂરી કરી લીધી છે.
આઈટીબીપીની સાતમી વાહિનીના પ્રમુખ કેદારસિંહ રાવતે જાણકારી આપતાં જણાવ્યું કે કૈલાસ યાત્રાએ જનાર પ્રથમ ટુકડી ૧૨મી જૂનના રોજ દિલ્હીથી અલ્મોડા તરફ રવાના થશે. આ ટુકડી ૧૩મી જૂને ધારચૂલા પહોંચશે, ત્યારબાદ ૧૪મી જૂને સિર્ખાથી પદયાત્રા શરૂ થશે. યાત્રાદળ ૧૫મી જૂને ગાલા, ૧૬મી જૂને બુંદી અને ૧૭મી જૂનના રોજ ગુંજી પહોંચશે. ૧૮મી જૂનના રોજ ગુંજીમાં યાત્રાળુઓનું તબીબી પરીક્ષણ કરવામાં આવશે. તબીબી પરીક્ષણ પાસ કરનારને જ અહિંયાંથી આગળ જવાની પરવાનગી આપવામાં આવશે. ૧૯મી જૂને નાભિઢાંગ અને ૨૦મી જૂને પ્રથમ ટુકડી ચીનની સીમામાં પ્રવેશ કરશે ત્યારબાદ યાત્રાળુઓની ટુકડી કૈલાસ પર્વતની પરિક્રમા કર્યા બાદ ૩જી જુલાઈના રોજ પરત દિલ્હી આવી જશે. ૯મી સપ્ટેમ્બરે યાત્રા સમાપ્ત થઈ જશે. ગયા વર્ષ સુધી યાત્રા ૩૦મી સપ્ટેમ્બરે સમાપ્ત થતી હતી પરંતુ આ વર્ષે ૯મી સપ્ટેમ્બરે યાત્રા સમાપ્ત થઈ જશે. યાત્રામાં ૧૮ ટુકડીઓ જશે. મેડિકલ ટીમ મે મહિનાના છેલ્લા અઠવાડિયા સુધીમાં ગુંજી પહોંચી જશે. યાત્રાળુઓની સુરક્ષા માટે આઈટીબીપીની વિશેષ ડિઝાસ્ટર ટીમ લખનપુરથી બૂંદી સુધી તૈનાત કરી દેવામાં આવશે.
Wednesday, May 1, 2013
ગજબના રામભક્ત :દરેક શબ્દે રામ દેખાય તેમ લખ્યું સુંદરકાંડ
ઝુનૂન અને મહેનતથી દરેક કામ પાર પાડી શકાય છે. એવા જ એક ઝુનૂની છે 65 વર્ષીય હરિ વિષ્ણુ ગુપ્તા, જેમણે 30 મહિનામાં આખી સુંદર કાંડ રામ નામથી લખી નાંખી છે. તેમણે દરેક શબ્દમાં અને અંકમાં રામ નામનો પ્રયોગ કર્યો છે. રામ નામથી શરૂ થતી હનુમાન ચાલીસા પણ તેમણે લખી છે. હવે તેઓ રામચરિત માનસ લખવા જઈ રહ્યાં છે.
રેલ્વેમાંથી રિટાયર્ડ થયા બાદ રામપુર બાગ નિવાસી વિષ્ણુએ ઘરે બેસી રહેવાની જગ્યાએ કંઈક નવું કરવાનો વિચાર કર્યો હતો. તેમણે મોટાભાઈ સીતારામ પાસેથી પ્રેરણા મેળવી અને સર્જનશક્તિમાં જોડાઈ ગયાં.
તેમણે પહેલાં હનુમાન ચાલીસા લખી હતી અને બાદમાં 173 પાના પર સુંદર કાંડ લખ્યું હતું. તેમણે કોઈ પણ શબ્દે કે અંક પર રામનુ નામ દેખાય તેવી રીતે સુંદર કાંડ કથ લખી છે. તેમણે બાલકાંડથી રામચરિત માનસ લખવાની શરૂઆત પણ કરી દીધી છે, જે ત્રણ વર્ષની અંદર પૂરી થશે. તેઓ આ લખાણ માટે ચાર કલરની પેનનો ઉપયોગ કરે છે. તેઓએ જણાવ્યું હતું કે, તેઓ પોતાના લખાણને હસ્તલિખિત ગ્રંથોને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરશે અને રામચરિત માનસને કોઈ સંગ્રહાલયને સોંપશે.
ઘરમાં શા માટે ભગવાનની તસવીર હોવી જોઈએ?
દરેક ઘરમાં ભગવાનની તસવીરો જોવા મળે છે. ધર્મ ભલે કોઈપણ હોય, પરંતુ ઘરમાં ધાર્મિક પ્રતીક રાખવું તે દરેક ધર્મોમાં શુભ મનાય છે. હિંદુઓના ઘરમાં દેવી દેવતાઓની, મુસ્લિમોના ઘરમાં મક્કા-મદીનાની, શીખોના ઘરમાં વાહેગુરુની તો ખ્રિસ્તી પરિવારોમાં જીસસની તસવીરો જોવા મળતી હોય છે. તમને એવો વિચાર આવે છે ખરા કે ઘરમાં શા માટે ભગવાનની મૂર્તિઓ રાખવામાં આવતી હોય છે? ૉ
તેના પાછળ મનોવૈજ્ઞાનિક કારણ કામ કરે છે. ઘરમાં ભગવાનની મૂર્તિઓ લગાવવાથી અને તેની નિયમિત રીતે પૂજા અર્ચના કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં નાના નાના ફેરફારો કરીને તમે માનસિક શાંતિ મેળવી શકો છો.
ઘરમાં તસવીરો કે મૂર્તિ તો બધાં સામાન્ય રીતે મૂકતાં હોય છે, પરંતુ તેને યોગ્ય દિશામાં મૂકતાં ફાયદો થઈ શકે છે. યોગ્ય દિશામાં મૂકેલ મૂર્તિ કે તસવીર તમને સતત અહેસાસ કરાવે છે કે ઘરમાં ભગવાન વસેલાં છે. તસવીરો અજાણ રીતે પણ તમને આત્મશક્તિ પૂરી પાડે છે. ઘરમાં રહેલ ભગવાનની મૂર્તિ તમને ખોટાં કામો કરતાં અટકાવે છે.
Wednesday, April 10, 2013
નવ દેવીને ભજવાનો અવસર ચૈત્રી નવરાત્રિ
કવર સ્ટોરી - સુખદેવ આચાર્ય
ચૈત્રી નવરાત્રિમાં જગતજનની મા ભગવતી નું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. પ્રત્યેક નર-નારી કે જેઓ દેવીમાં આસ્થા ધરાવે છે તેઓ કોઈ ને કોઈ રીતે દેવીની ઉપાસના કરે છે, ભલે પછી તેનું સ્વરૂપ અલગ-અલગ હોય. જેમકે, વ્રત રાખે, મંત્ર-જાપ કરે, અનુષ્ઠાન કરે અથવા પોતાની શ્રદ્ધા-ભક્તિ અનુસાર કર્મ કરતા રહે. આસો અને ચૈત્રી એમ બન્ને નવરાત્રિની લોકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આસો માસની નવરાત્રિમાં ઘટસ્થાપન કરવામાં આવે છે અને ગરબા પણ રમવામાં આવે છે, જ્યારે ચૈત્રી નવરાત્રિમાં ઘટસ્થાપન કરીને નવ દિવસ સુધી દેવીની ઉપાસના કરવામાં આવે છે.
ચૈત્રી નવરાત્રિમાં મોટાભાગનાં ઘરોમાં દેવીની પ્રતિમા અને ઘટસ્થાપન કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસથી નવ વર્ષની બેલા શરૂ થાય છે. આ નવરાત્રિ અનુષ્ઠાન, હવન, ઉપાસના વગેરે માટેનું ઉત્તમ પર્વ છે. દરેક જણ મા શક્તિ પોતાનાં દુઃખ અને કષ્ટ દૂર કરે તે માટે શ્રદ્ધાપૂર્વક દૈવી સાધના કરે છે. કોઈ પોતાના શત્રુથી છુટકારો મેળવવા માટે મા બગલામુખીના જાપ-હવન કરે છે, કોઈ મહાકાળીની ઉપાસના કરે છે, તો કોઈ નવદુર્ગાની ઉપાસના કરે છે. ગમે તે સ્વરૂપ હોય, પરંતુ ઉપાસના તો શક્તિની જ થાય છે.
ચૈત્રી નવરાત્રિનું ઉત્તર ભારતમાં વિશેષ મહત્ત્વ છે. ઉત્તર ભારતમાં શક્તિપીઠોમાં ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસથી માતાની આરાધના શરૂ થાય છે. રામાયણ અને રામચરિત માનસનો પાઠ થાય છે. દસ દિવસ સુધી શાકાહાર, સદ્ આચરણ અને બ્રહ્મચર્ય સહિતના નિયમોનું પાલન કરવામાં આવે છે. નોમના દિવસે રામ જન્મનો ઉત્સવ મનાવવામાં આવે છે. ઉત્તર ભારતમાં નવરાત્રિ દરમિયાન મેળાઓ પણ ભરાય છે. દક્ષિણ ભારતમાં પ્રથમ દિવસે વિશેષ પૂજા થાય છે. આંબાનાં પાન અને નાળિયેરથી સજાવેલો કળશ દરવાજે
રાખવામાં આવે છે. નવમીના દિવસે રામમંદિરોમાં ભક્તોનું કીડિયારું ઊભરાય છે અને ત્યાં ભક્તોને વિશેષ પ્રસાદ વહેંચાય છે.
દક્ષિણ ભારતમાં ચૈત્રી નવરાત્રિને યુગાદી તરીકે ઓળખવામાં આવે છે. આ નામ પરથી જ ખ્યાલ આવે છે કે આ દિવસે સંસારનો આરંભ થયો હશે. એવી માન્યતા પણ છે કે ચૈત્ર માસના સુદ પક્ષના પ્રથમ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચનાનો આરંભ કર્યો હતો.
તહેવાર હોય એટલે તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાનગીઓ પણ હોય. તે જ રીતે ચૈત્રી નવરાત્રિની કેટલીક વિશેષ વાનગીઓ છે. ઉત્તર ભારતમાં નવ દિવસ સુધી સંપૂર્ણ શાકાહાર અને ઉપવાસ કરવામાં આવે છે. ત્યારબાદ નવમા અને દસમા દિવસે વિશેષ વાનગીઓ જેમ કે, ખીર-પૂરી, મીઠાઈઓ વગેરે બનાવવામાં આવે છે.
આંધ્ર પ્રદેશમાં કાચી કેરીમાંથી બનાવેલી વાનગી 'પુલિહોરા' અને 'બોબ્બત્લૂ' બનાવવામાં આવે છે. કર્ણાટકમાં પણ આ જ વાનગીઓ બનાવવામાં આવે છે, પરંતુ તેને અહીં 'પુલીઓગેરે' અને 'હોલીગે' કહેવામાં આવે છે. મહારાષ્ટ્રમાં મરાઠી લોકો'પૂરણપોળી' બનાવે છે, જે ત્યાંની મુખ્ય વાનગી છે.
નવદુર્ગાનાં નવ સ્વરૂપનું પૂજન અને ફળ
ચૈત્રી નવરાત્રિના નવ દિવસ સુધી આદ્યશક્તિનાં વિવિધ નવ સ્વરૂપોનું પૂજન-આરાધના કરવામાં આવે છે. દેવીના પૂજનથી ખૂબ જ શુભ ફળ મળે છે, પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ પ્રકારનાં ફળની ઇચ્છા વગર જ દેવીની ઉપાસના કરવી જોઈએ. નવરાત્રિના પ્રથમ દિવસે શૈલપુત્રીની પૂજા કરવાથી ભક્ત હંમેશાં ધન-ધાન્યથી પરિપૂર્ણ રહે છે. બીજા દિવસે બ્રહ્મચારિણીની પૂજા કરવાથી સાધકને અનંતકોટિ ફળ મળે છે. ત્રીજા દિવસે ચંદ્રઘંટાની પૂજા કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે. સાધકના વીરતાના ગુણોમાં વૃદ્ધિ થાય છે. ચોથા દિવસે કુષ્માંડાની પૂજા કરવાથી સાધકના રોગ-શોક દૂર થાય છે અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. પાંચમા દિવસે સ્કંદમાતાનું પૂજન કરવાથી ભક્તની ઇચ્છાર્પૂિત થાય છે તથા શત્રુઓનું શમન થાય છે. છઠ્ઠા દિવસે કાત્યાયનીની પૂજા કરવાથી ભક્તમાં શક્તિનો સંચાર થાય છે. સાતમા દિવસે કાલરાત્રિનું પૂજન કરવાથી ભક્તના દુશ્મનોનો નાશ થાય છે તથા તેજમાં વૃદ્ધિ થાય છે. આઠમા દિવસે મહાગૌરીનું પૂજન કરવાથી પાપોનો નાશ થાય છે અને નિરંતર સુખમાં વૃદ્ધિ થાય છે. નવમા દિવસે સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી માની અસીમ કૃપા ભક્ત પર વરસે છે.
ચૈત્રી નવરાત્રિ પાછળના વિવિધ દૃષ્ટિકોણ
વિદ્વાનોના મતે ચૈત્ર માસના વદ પક્ષની સમાપ્તિની સાથે ભૂલોકના પરિવેશ (વાતાવરણ)માં એક વિશેષ પરિવર્તન જોવા મળે છે. આ દરમિયાન ઋતુઓના પરિવર્તનની સાથે નવરાત્રિનો તહેવાર મનુષ્યના જીવનમાં બાહ્ય અને આંતરિક પરિવર્તનમાં એક વિશેષ સંતુલન સ્થાપવામાં મદદરૂપ બને છે. જે રીતે બાહ્ય જગતમાં પરિવર્તન થાય છે તે જ રીતે મનુષ્યના શરીરમાં પણ પરિવર્તન થાય છે, તેથી નવરાત્રિના ઉત્સવના આયોજનનો ઉદ્દેશ એ હોય છે કે મનુષ્યની અંદર યોગ્ય પરિવર્તન કરીને તેને બાહ્ય પરિવર્તનને અનુકૂળ બનાવી સ્વયં અને પ્રકૃતિ વચ્ચે સંતુલન જાળવી રાખવાનું છે.
વર્ષના તમામ દિવસ દેવી સાધના કે ઉપાસના માટે શ્રેષ્ઠ જ હોય છે. માને ભજવા માટે કોઈ મુહૂર્તની જરૂર નથી હોતી, પરંતુ નવરાત્રિ એ એક એવો સમય છે જ્યારે સામાન્ય દિવસોમાં પૂજા-આરતી ન કરતી વ્યક્તિને પણ માના ગુણગાન ગાવાની તક સાંપડે છે અને તે યથાશક્તિ માની ઉપાસના કરી શકે છે. વર્ષમાં બે મુખ્ય નવરાત્રિ આવે છે, જેમાંથી એક છે આસો માસની નવરાત્રિ, જેને શારદીય નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે અને ચૈત્રી નવરાત્રિ જે સાધના-ઉપાસના માટે સર્વશ્રેષ્ઠ ગણાય છે
નવરાત્રિ દરમિયાન કરવામાં આવતી પૂજા-અર્ચના, વ્રત-ઉપાસના વગેરે દ્વારા પર્યાવરણની શુદ્ધિ થાય છે. સાથે-સાથે મનુષ્યના શરીર અને ભાવનાની પણ શુદ્ધિ થાય છે, કારણ કે વ્રત-ઉપવાસ શરીરને શુદ્ધ કરવાની પારંપરિક રીત છે. આ જ કારણ છે કે વિશ્વના તમામ મુખ્ય ધર્મોમાં વ્રત-ઉપવાસનું વિશેષ મહત્ત્વ છે. હિન્દુ સંસ્કૃતિમાં યુગો-યુગોથી નવરાત્રિ દરમિયાન વ્રત કરવાનું વિધાન છે. વ્રતના માધ્યમથી સૌ પ્રથમ મનુષ્યનું શરીર શુદ્ધ થાય છે. શરીર શુદ્ધ હોય તો મન અને ભાવનાઓ પણ શુદ્ધ થાય છે. શરીર શુદ્ધિ વગર મન તથા ભાવની શુદ્ધિ શક્ય નથી. ચૈત્રી નવરાત્રિ દરમિયાન બધા જ પ્રકારનાં વ્રત-ઉપવાસ શરીર અને મનની શુદ્ધિમાં મદદરૂપ બને છે.
નવરાત્રિમાં કરવામાં આવેલાં વ્રત-ઉપવાસની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર થાય છે. ઉપવાસથી સ્વાસ્થ્ય સુધરે છે અને રોગકોષો દૂર રહે છે. આ સિવાય ધૂમધામપૂર્વક નવરાત્રિ મનાવવાથી આપણને સુખાનુભૂતિ તથા આનંદાનુભૂતિ પણ થાય છે.
મનુષ્યના આનંદની અવસ્થા જ સૌથી ઉત્તમ અવસ્થા હોય છે. જ્યારે વ્યક્તિ આનંદની અવસ્થામાં હોય છે ત્યારે તેના શરીરમાં તણાવ ઉત્પન્ન કરનારા સૂક્ષ્મ કોષ સમાપ્ત થઈ જાય છે, જે આપણા શરીર માટે લાભદાયક છે તથા નવી વ્યાધિઓથી બચાવવાની સાથે રોગ થયો હોય તો શીઘ્ર રોગમુક્ત કરે છે.
દેવી ભાગવતના આઠમા સ્કંધમાં દેવી ઉપાસનાનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. દેવીનું પૂજન, અર્ચન, ઉપાસના, સાધના કરવાથી તથા ભોગ ધરાવવા અને દાન કરવાથી આ લોક અને પરલોક બંને સુખ આપનારા બને છે.
* પ્રતિપદા (એકમ): આ દિવસે દેવીનું ષોડશોપચારે પૂજન કરીને નૈવેદ્ય તરીકે દેવીને ગાયનું ઘી અર્પણ કરવું જોઈએ. માનાં ચરણોમાં ધરાવેલું ઘી પછીથી બ્રાહ્મણોને વહેંચી દેવાથી વિવિધ પ્રકારના રોગમાંથી મુક્તિ મળે છે.
* બીજ - આ દિવસે દેવીને ખાંડનો ભોગ ધરાવવો જોઈએ અને ત્યારબાદ તેનું દાન કરી દેવું જોઈએ. ખાંડનો ભોગ ધરાવવાથી વ્યક્તિ દીર્ઘજીવી બને છે.
* ત્રીજ - આ દિવસે દેવીને દૂધનો ભોગ ધરાવવો જોઈએ. પછી તેનું ગરીબ વ્યક્તિ કે બ્રાહ્મણને દાન કરી દેવું જોઈએ. દેવીને દૂધનો ભોગ ધરાવવાથી વ્યક્તિનાં સમસ્ત દુઃખો દૂર થાય છે.
* ચોથ - આ દિવસે દેવીને માલપૂઆનો ભોગ ધરાવીને તેનું દાન કરવું જોઈએ. માલપૂઆનો ભોગ ધરાવવાથી વ્યક્તિની તમામ પ્રકારની વિપત્તિઓનો નાશ થાય છે.
* પાંચમ - આ દિવસે દેવીને કેળાંનો ભોગ ધરાવવો જોઈએ. ત્યારબાદ તેનું ગરીબ વ્યક્તિ કે બ્રાહ્મણને દાન કરવું જોઈએ. દેવીને કેળાંનો ભોગ ધરાવવાથી વ્યક્તિની બુદ્ધિ, વિવેકનો વિકાસ થાય છે. વ્યક્તિના પારિવારિક સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
* છઠ્ઠ - આ દિવસે દેવીને મધુ (મધ)નો ભોગ ધરાવીને તેનું ગરીબ વ્યક્તિ કે બ્રાહ્મણને દાન કરવું જોઈએ. મધુનો ભોગ ધરાવવાથી વ્યક્તિને સુંદર સ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
* સાતમ - આ દિવસે દેવીને ગોળનો ભોગ ધરાવવો જોઈએ. ત્યારબાદ તેનું યોગ્ય પાત્રને દાન કરવું જોઈએ. ગોળનો ભોગ ધરાવવાથી વ્યક્તિના સમસ્ત શોક દૂર થાય છે.
* આઠમ - આ દિવસે દેવીને શ્રીફળ (નાળિયેર)નો ભોગ ધરાવીને તેનું દાન કરવું જોઈએ. શ્રીફળનો ભોગ ધરાવવાથી વ્યક્તિના સંતાપ દૂર થાય છે.
* નોમ - આ દિવસે દેવીને વિવિધ પ્રકારનાં ધાન્યમાંથી બનાવેલી વાનગીઓનો ભોગ ધરાવવો જોઈએ. ત્યારબાદ તેનું બ્રાહ્મણ અથવા ગરીબ વ્યક્તિને દાન કરવું જોઈએ. દેવીને વિવિધ ધાન્યોની વાનગીઓનો ભોગ ધરાવવાથી વ્યક્તિના આ લોક અને પરલોક સુધરે છે.
Subscribe to:
Posts (Atom)